સુરતમાં ખાડી પૂરે બે વર્ષના બાળકનો લીધો ભોગ, માતા પાસે સૂતેલો પુત્ર સવારે પાણીમાંથી મૃત હાલતમા મળ્યો
સુરતમાં ખાડી પૂરે એક પરિવારનો માળો વિખી નાખ્યો છે. લિંબાયતના કમરુનગરમાં ખાડી પૂરના પાણી ભરાયા હતા. આ દર

સુરતમાં ખાડી પૂરે એક પરિવારનો માળો વિખી નાખ્યો છે. લિંબાયતના કમરુનગરમાં ખાડી પૂરના પાણી ભરાયા હતા. આ દરમિયાન રાત્રે માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ વગર જ ઊઠીને જતું રહ્યું હતું. શોધખોળ કરતાં ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મૃત હાલતમાં મળ્યું હતું.
મીઠીએ અપાવ્યા ખારા આંસૂ
છેલ્લા પાંચ દિવસથી મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં ખાડીપૂર આવ્યું છે. પાંચ દિવસથી કમરુનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલાં છે. આજે થોડા ઓસર્યા હોવાથી ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરેલું છે.કમરુનગર આવાસમાં નઝીમ ખાનેને બે દીકરા અને એક દીકરી છે. પૈકી સૌથી નાનો દીકરો અલ્ફાઝ ખાન માતા સાથે સૂતા બાદ જાગીને રાત્રે નીકળી ગયો હતો. જેમાં તેનું પાણીના ખાડામાં પટકાતા મોત નીપજ્યું હતુ.
તંત્રના પાપે દીકરો ગૂમાવ્યો
પરિવાર બાળકને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડીને પહોંચ્યું હતું. ત્યાં પણ બાળકને તપાસીને બાળકનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.નઝીમ ખાને કહ્યું કે, છેલ્લા પાંચ દિવસથી લાઈટ પણ જતી રહી છે. ગત રોજ સાંજે 6:45 વાગ્યા આસપાસ મારો દીકરો અલ્ફાઝ અને મારી પત્ની સૂઈ ગયાં હતાં. જો આ પાણી ન ભરાયાં હોત તો આજે મારો દીકરો જીવતો હોત. બીજા કોઈનાં સંતાનો સાથે આવી ઘટના ન બને એ માટે મારી માગ છે કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે.








