વિવાદ ભૂલી એકબીજાને મળ્યા કાંતિ અમૃતિયા- ગોપાલ ઇટાલિયા, જોવા મળ્યો હળવો મૂડ
ગુજરાતના રાજકારણમાં એક એવી તસવીર સામે આવી છે જેનું કેન્દ્ર બન્યા છે આમ આદમી પાર્ટ

ગુજરાતના રાજકારણમાં એક એવી તસવીર સામે આવી છે જેનું કેન્દ્ર બન્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. બન્ને નેતાઓ વચ્ચે વિસાવદર પેટા ચૂંટણી બાદ ચેલેન્જ વોર શરૂ થઇ હતી. હવે એક તસવીર સામે આવી છે જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને હળવા મૂડમાં મળી રહ્યાં છે.
ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા મળ્યા
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મુખ્યમંત્રીની ઓફિસની બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાને મળ્યા હતા. મોરબીમાં AAPના એક કાર્યક્રમમાં થપ્પડકાંડને લઇને કાંતિ અમૃતિયાએ કહ્યું કે, મોરબીના નાગરિકે રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારી હતી. આવું અસભ્ય વર્તન AAPના કાર્યકર્તા ના કરે એના માટે ગોપાલભાઇએ વાત કરી છે. મારા જાહેર જીવનમાં 30 વર્ષ થયા મને અનેક રજૂઆત કરવા મોરબીના નાગરિક આવે છે પણ કોઇપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું નથી. તમારો હિસાબ મોરબીની જનતા જરૂર ચુકવશે. મોરબીને ખોટી રીતે બદનામ કરવાનું રહેવા દેજો.
કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપી હતી ચેલેન્જ
જુલાઈ 2025માં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો જેનો ઉદ્દેશ્ય તેમની રાજકીય પ્રતિષ્ઠા અને મોરબીના વિકાસના મુદ્દે પ્રજા સમક્ષ પોતાની શક્તિ દર્શાવવાનો હતો. ઇટાલિયાએ આ પડકાર સ્વીકારતા કહ્યું કે, "જો કાંતિભાઈ રાજીનામું આપે, તો હું મોરબીમાં ચૂંટણી લડવા તૈયાર છું."કાંતિ અમૃતિયા પછી ગાંધીનગર પહોંચીને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી અને ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કર્યા બાદ રાજીનામું આપ્યા વગર જ પરત ફર્યા હતા. તે બાદ આ રાજકીય વિવાદનો નાટકીય ઢબે અંત આવ્યો હતો.








