અમેરિકા જવા માટે કલોલનો જીગ્નેશ પટેલ પાકિસ્તાની વસીમ ખલીલ બન્યો, વાંચો પછી શું થયું
અમેરિકા જઇને ત્યાં ડૉલરમાં કમાણી કરવાનું દરેક ગુજરાતીનું સ્વપ્ન હોય છે. આવું જ સ્વપ્ન પૂ

અમેરિકા જઇને ત્યાં ડૉલરમાં કમાણી કરવાનું દરેક ગુજરાતીનું સ્વપ્ન હોય છે. આવું જ સ્વપ્ન પૂર્ણ કરવા માટે એક ગુજરાતી પટેલ યુવક પોતાની ઓળખ બદલીને પાકિસ્તાની બની ગયો હતો.કલોલનો જીગ્નેશ પટેલ પોતાની ઓળખ બદલીને મુસ્લિમ બની ગયો હતો. અમેરિકા જવા તે પાકિસ્તાની નાગરિક વસીમ ખલીલ બની ગયો હતો. જોકે, અમેરિકા નામ બદલીને જવું ભારે પડી ગયું હતું. ઇમિગ્રેશન વિભાગમાં ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે.
અમેરિકન અધિકારીઓ સામે ખુલી ગઇ પોલ
અમેરિકા જવાની લ્હાયમાં ગુજરાતનો જીગ્નેશ પટેલ પાકિસ્તાની બની ગયો હતો પરંતુ તેનો વેષ બદલવાનો ખેલ વધુ સમય ચાલ્યો નહતો. અમેરિકન અધિકારીઓ સામે પોલ ખુલી ગઇ હતી અને તેને પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર જીગ્નેશ પટેલ પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો, જેના પર વસીમ ખલીલ નામ હતું. જોકે, અમેરિકન અધિકારીઓએ યુવકને પકડી લીધો હતો અને સીધો ભારત ડિપોર્ટ કર્યો હતો. 12 ફેબ્રુઆરીની ફ્લાઇટ AA-292થી જીજ્ઞેશ પટેલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં તેને ભારતીય પોલીસે પકડી લીધો હતો.
પાકિસ્તાનનો પાસપોર્ટ જોઇ અધિકારીઓ ચોંકી ગયા
જીગ્નેશ પટેલના પકડાયા બાદ ભારતીય અધિકારીઓ ત્યારે ચોંકી ગયા હતા ત્યારે તેની પાસેથી એક અસલી પાકિસ્તાની પાસપોર્ટ મળ્યો હતો. અસલમાં આ કોઇ વસીમ ખલીલનો ગુમ થયેલો દસ્તાવેજ હતો. પૂછપરછમાં પટેલે કબૂલ કર્યું કે તેને દુબઇમાં એક એજન્ટને પૈસા આપીને પોતાની ઓળખ બદલી હતી જેથી તે અમેરિકા જઇ શકે.
હ્યુમન ટ્રાફિકર્સની જાળમાં ફસાયો ગુજરાતી યુવક
જીગ્નેશ પટેલનો અસલી પાસપોર્ટ 2016માં જ એક્સપાયર થઇ ગયો હતો પરંતુ તેને રિન્યૂ કરાવવાની જગ્યાએ હ્યુમન ટ્રાફિકર્સનો સહારો લીધો હતો. આ તસ્કરોએ તેને ફેક કાગળ આપ્યા હતા અને તેને ગેરકાયદેસર દુબઇના રસ્તે અમેરિકા પહોંચાડવાની યોજના બનાવી હતી.
સૂત્રો અનુસાર, 'માનવ તસ્કર એવા પાસપોર્ટ પસંદ કરે છે જેમની વીઝા સ્વીકૃતિ દર સારી હોય છે અથવા કોઇ યુએઇ નાગરિકના પાસપોર્ટનો ઉપયોગ કરી લોકોને અમેરિકા ઘુસાડવાનો પ્રયાસ કરે છે.'હવે ભારતમાં પણ જીગ્નેશ પટેલની મુશ્કેલી વધી ગઇ છે. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છેતરપિંડી, ફેક ઓળખ પત્ર બનાવીને મુસાફરી કરવા તેમજ પાસપોર્ટના દુરઉપયોગ જેવા ગંભીર કેસ નોંધ્યા છે.
અમદાવાદમાં પણ નોંધાઇ ફરિયાદ
અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જીગ્નેશ પટેલ મૂળ કલોલનો રહેવાસી છે. જીગ્નેશ પટેલ પહેલા વસીમ ખલિલના નામે અમદાવાદથી દિલ્હી ગયો હતો. દિલ્હીમાં ગયા બાદ તે એર કેનેડાની ફ્લાઇટથી કેનેડા જતો રહ્યો હતો. કેનેડા પહોંચી ગયા બાદ જીગ્નેશ ઉર્ફ વસીમ ખલીલ અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકા પહોંચતા જ ઇમિગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ ચેક કર્યો હતો. પાસપોર્ટ શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ અને પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન તેને અમેરિકન અધિકારીઓ સામે કબુલાત કરી કે તેણે વસીમ નામનો બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને તે બાદ તે કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકાના એરપોર્ટ પરથી પનામા અને ત્યાંથી જ જીગ્નેશને દિલ્હી એરપોર્ટ પર ડિપોર્ટ કરાયો હતો અને તે બાદ જીગ્નેશ પટેલને અમદાવાદ ફ્લાઇટ મારફતે લાવવામાં આવ્યો હતો. જીગ્નેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમેરિકાએ 74 ગુજરાતીઓને પરત મોકલ્યા
ડોનાલ્ડ ટ્રમ્પના જાન્યુઆરીમાં ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદથી અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો પર કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં ચાર ફ્લાઇ ભારત પહોંચી છે જેમાં 74 ગુજરાતી નાગરિક પણ સામેલ છે.








