VIDEO: જૂનાગઢ: માંગરોળમાં ૧૦ ઇંચ અને માળિયા હાટીનામાં ૭ ઇંચ વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા હાટીના સહિત સમગ્ર ગીર પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ માંગરોળ તાલુકામાં ૨૪૩ મીમી (આશરે ૧૦ ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં માળિયા હાટીના શહેરમાં ૧૭૫ મીમી એટલે કે અંદાજે ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર બોર્ડરના અમરાપુર, કાત્રાસા અને વડિયા સહિતના અનેક ગામોમાં મુશળધાર વરસાદને પગલે નદીઓ અને વોંકળાઓમાં નવા નીરની ભારે આવક થઈ છે, તેમજ પ્રખ્યાત મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ છે.બીજી તરફ, માંગરોળ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જાહેર માર્ગો જળબંબોળ બની ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેટલાક વાહનો પાણીમાં ફસાયા અને બંધ પડ્યા હતા.જોકે, આ કાચું સોનું વરસતા જ જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે વરાપ નીકળતા જ વાવણીની પ્રક્રિયા જોરશોરથી શરૂ થશે. આ સાથે જ ઉનાળાના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સામાન્ય જનતાએ પણ ગરમીમાંથી મોટી રાહત મેળવી છે.

