VIDEO: જૂનાગઢ: શીતળા કુંડની દયનીય હાલત મુદ્દે સ્થાનિકોમાં રોષ
જૂનાગઢના પૌરાણિક અને પુરાણ પ્રસિદ્ધ શીતળા કુંડની અત્યંત દયનીય હાલતને લઈને સ્થાનિક રહીશો અને કોંગ્રેસના હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ બિલકુલ નજીક હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ હાલ આ ઐતિહાસિક કુંડના મંદિરમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે અને ભગવાન ભોળાનાથની પવિત્ર શિવલિંગ પર પણ ખરાબ પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ આક્રોશ વચ્ચે સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીએ દોડી ગયા હતા, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન હાજર ન મળતા તેમની ઓફિસ સામે જ બેસીને રામધૂન બોલાવી તંત્રનો અનોખો વિરોધ કર્યો હતો. આ પૌરાણિક ધરોહરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦ લાખની સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં મનપા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વિકાસ કાર્ય શરૂ ન કરાતા, સ્થાનિકોએ આ ગંદકી અટકાવી કુંડનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.

