Video: આપ રાજા બની રહો તે માટે ગૌમાતાને રાષ્ટ્રમાતાને જાહેર કરી દો: શંકરાચાર્ય

ગાંધીનગર ખાતે ગૌભક્તોની ભવ્ય મહાસભા યોજાઈ હતી, જેમાં સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સ્વતંત્ર ગૌપાલન મંત્રાલય બનાવવાની પ્રબળ માંગ ઉઠી હતી. આ પ્રસંગે 1 કરોડ 11 લાખથી વધુ લોકોની સહી ધરાવતું પ્રાર્થના પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું હતું. સંતોએ જણાવ્યું હતું કે, આ ભીડ કોઈ આમંત્રણ કે બસો મોકલીને નહીં, પરંતુ ગૌરક્ષાની ભાવનાથી સ્વયંભૂ ઉમટી છે. તેમણે મુખ્યમંત્રીને આ સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ગૌમાતાની સેવા કરનારને કોઈ ગાદી પરથી હટાવી શકતું નથી.બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધિથી દૂર રહી નિઃસ્વાર્થ સેવા કરતા ગૌસેવકોને બિરદાવ્યા હતા અને સંતોની તમામ અપેક્ષાઓ સાથે સરકાર ઊભી રહેશે તેવી ખાતરી આપી હતી.
શંકરાચાર્યએ કહ્યું કે, વિવિધ જાતના ટેક્સ સરકાર વસુલે છે તો પછી રાજસ્થાનની જેમ ગૌ સેવા માટે અલગથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતમાં તૌ ગૌહત્યા પર પ્રતિબંધ છે પરંતુ સૌની લાગણી છે કે, રાજ્ય સરકારની જેમ કરોડો ગૌભક્તોની લાગણી કેન્દ્ર સરકાર પણ સમજે. શંકરાચાર્યએ ગાયને રાષ્ટ્ર રાજ્ય માતા જાહેર કરવા સરકાર પ્રયાસ કરે તેવી પ્રાર્થના કરી, સાથે જ કહ્યું કે, દિલ્હી જવાનો અવસર ના આવે એના માટે વિનંતી છે. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં સંતોની સરકારને ટકોર બાદ હવે આ મુદ્દો ગુજરાતથી દિલ્હી સુધી વધુ ગરમાય તેવા એંધાણ વર્તાય રહ્યાં છે.












