મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagdh news: હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલો, કોર્ટે બે શખ્સોને ફટકારી આકરી સજા

જૂનાગઢમાં ર૦૧૪ના વર્ષમાં યોજાયેલી હાઈકોર્ટની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગીરગઢડા તાલુકાના ઉમેદવાર ડમી

Junagdh news: હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલો, કોર્ટે બે શખ્સોને ફટકારી આકરી સજા
જૂનાગઢમાં ર૦૧૪ના વર્ષમાં યોજાયેલી હાઈકોર્ટની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગીરગઢડા તાલુકાના ઉમેદવાર ડમી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બે શખ્સ સામે ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતા જૂનાગઢ કોર્ટે બંનેને ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ અને ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.  

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી

આ કેસની વધુ વિગત મુજબ ૧-૬-ર૦૧૪ના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં  સુપરવાઈઝરે રિસીપ્ટ ચેક કરતા ફોટા ઉપર શંકા ગઈ હતી. તપાસ કરતા ગીરગઢડા તાલુકાના કાણકીયા ગામના અમરશી નકુમના બદલે કાળુ મોહન ગોહીલ પરીક્ષા આપવા આવ્યો હોવાનું જણાયું હતું. રિસીપ્ટમાં પણ ચેડા કરી ફોટો બદલાવી પ્રિન્ટર દ્વારા બનાવટી રિસીપ્ટ બનાવવામાં આવી હતી. આ મામલે કિશોરભાઈ ગજાનનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી હતી.

આ કેસ જૂનાગઢના ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશલ મેજીસ્ટ્રેટ દિપેશકુમાર મધુસુદન ચાંપાનેરીયા સમક્ષ ચાલી જતા તેઓએ એપીપી ડી.બી. પંચાલ તથા સામેના પક્ષના વકીલની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ કાણકીયા ગામના અમરશી કાળા નકુમ (ઉ.વ.ર૯) અને કાળુ મોહન ગોહીલ (ઉ.વ.૩૬)ને તકસીરવાન ઠરાવી ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ તેમજ ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સખ્ત કેદ ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે. 

કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, ખૂબ જ ડિસીપ્લીન વાળા વિભાગમાં આવી રીતે ડમી વિદ્યાર્થીને બેસાડી નોકરી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવા કિસ્સામાં પ્રોબેશનનો કોઈ લાભ આપી શકાય નહી, જો તેમ થાય તો સમાજમાં તેની ગંભીર અસર થવાની સંભાવના છે. આરોપી જેવું માનસ ધરાવતા અન્ય ઈસમો પણ ડમી ઉમેદવારને બેસાડી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા અચકાય નહી તેથી આવા કિસ્સામાં સજા પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ કોઈ લાભ આપી શકાય નહી.

આ સમાચાર શેર કરો