ગુજરાત સમાચાર અને GSTV પ્રેરિત સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટરના પ્રકલ્પ 'કલાસ્મૃતિ'ના લોગોનું અનાવરણ, અધ્યક્ષ પદે જય વસાવડાના નામની ઘોષણા
ગુજરાત સમાચાર-GSTV દ્વારા ભારતભરમાં અનોખા સર્જનાત્મક આયોજ

ગુજરાત સમાચાર-GSTV દ્વારા ભારતભરમાં અનોખા સર્જનાત્મક આયોજનો કરવાની નેમ સાથે શરૂ થયેલા નવા પ્રકલ્પ કલાસ્મૃતિ માટે એક લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં માત્ર નવ વર્ષની માહી બુચથી માંડીને 71 વર્ષના ઘનશ્યામભાઈ એરંડે સહિત રાજ્યભરમાંથી 416થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જીએસટીવી ખાતે યોજાયેલા આ સમારંભમાં જાણીતા લેખક-વક્તા જય વસાવડાના હસ્તે અમદાવાદની સીએન ફાઈન આર્ટ્સની 20 વર્ષની વિદ્યાર્થિની આર્યા પટેલને રૂપિયા 51 હજારનું પારિતોષિક આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટરના ચેરમેન તરીકે જય વસાવડાના નામની ઘોષણા કરવામાં આવી હતી. તેઓ પ્રથમ બે વર્ષ માટે પદભાર સંભાળશે.
પસંદ થયેલા લોગો વિશે સમજ આપતા જય વસાવડાએ કહ્યું હતું કે, 'આર્યાનો લોગો વૈશ્વિક માપદંડો મુજબનો મીનીમાલિસ્ટિક છે. આધુનિક અને પરંપરાગત શૈલીનો સમન્વય છે. આસાનીથી ઓળખાઈ જાય તેવો અને બાળક પણ દોરી શકે તેવો છે. એમાં ભારતીયપણું છલકે છે. એમાં શિવનું ડમરું, નટરાજનું નૃત્ય, મોરની ડોક કે હાર્ટશેપ જોઈ શકાય છે. તે દેવનાગરી લિપીના પ્રથમ અને કળા સાથે સંકળાયેલા અક્ષર 'ક'માંથી બન્યો છે.' આ સમગ્ર આયોજનમાં જાણીતા પ્રોડ્યુસર-ઓર્ગેનાઈઝર અભિલાષ ઘોડાનો પણ સક્રિય સહયોગ મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે 'કલાસ્મૃતિ' એ ગુજરાતની સર્જક પ્રતિભાઓની જૂની પેઢીના અનુભવનો સંગમ નવી પેઢીની ઊર્જા સાથે થાય એ સંકલ્પ છે. જેમાં નાટક, અભિનય, નૃત્ય, સંગીત, ગાયન, વાદન, સાહિત્ય, ભાષા જેવા નવરસની અભિવ્યક્તિના બધા જ આયામોને આવરી લેવાશે. જેમાં પાંગરતી ઊગતી પેઢીને મંચ મળશે, શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, ફેસ્ટિવલ્સ, ઇવેન્ટ્સના આયોજનો થશે અને વિશિષ્ઠ કાર્યક્રમો થકી નવા જ યુવા ઓડિયન્સનું ઘડતર કરવાનું સ્વપ્ન છે.






