મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્વામિનારાયણ સાધુએ કર્યું બ્રેઈનવોશ?, અભ્યાસ બાદ કિશોર ગુરુકુળમાંથી ઘરે આવવા તૈયાર નથી, કોલ રેકોર્ડમાં ભાંડો ફૂટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં આવે

સ્વામિનારાયણ સાધુએ કર્યું બ્રેઈનવોશ?, અભ્યાસ બાદ કિશોર ગુરુકુળમાંથી ઘરે આવવા તૈયાર નથી, કોલ રેકોર્ડમાં ભાંડો ફૂટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં આવેલા  સ્વામીનારાયણ ગુરુકુળમાં સાધુએ ધોરણ-10ના એક કિશોરનું બ્રેઈનવોશ કર્યું હોવાના આરોપ લાગ્યા છે. ગુરુકુળના જનાર્દન સ્વામીએ એવું  બ્રેઈનવોશ કર્યું કે કિશોર અભ્યાસ પુરો થયા બાદ પણ પોતાના ઘરે આવવા તૈયાર નથી અને જો તેના પિતા પરાણે ઘરે લઈ આવે તો પણ ગમે તેમ કરીને ભાગીને ગુરુકુળ પહોંચી જાય છે. 

કિશોર ઘરે આવવા તૈયાર નથી, આવે તો પાછો ગુરુકુળ ભાગી જાય છે - કિશોરના પિતા 

ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે, જેમાં ધોરણ 1થી 10 અને 11-12 કોમર્સ સુધીના વર્ગો ચાલે છે. ગીરગઢડા તાલુકાના વડલી ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકભાઈ  રામજીભાઈ  શિંગાળાનો પુત્ર આ ગુરુકુળમાં ધોરણ-8થી અભ્યાસ કરે છે અને અત્યારે ધોરણ-10ની પરીક્ષા આપી છે.

જનાર્દન સ્વામીએ મારા પુત્રનું બ્રેઈનવોશ કર્યું - કિશોરના પિતા 

આ કિશોરના પિતા અશોકભાઈનો આક્ષેપ છે કે ગુરુકુળમાં જનાર્દન સ્વામીએ કરેલા બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી અને ઘરના કોઈ પ્રસંગમાં પણ માંડ આવે છે. આ કિશોરે ધોરણ-10ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગુરુકુળ ગયા તો તેમની સાથે ઘરે આવ્યો નહીં. બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા પરંતુ તો તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો અને ફરી પાછો આવ્યો તો ત્રણ દિવસ જ રેહવાની શરતે આવ્યો. 

કિશોરના પિતા અશોકભાઈએ આરોપ લગાવ્યો કે ગુરુકુળના જનાર્દન સ્વામીએ આ કૃત્ય કર્યું હતું. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો,  તેને ના પાડવામાં આવે તો ઘરમાં એક રૂમમાં પુરાઈ જતો હતો અને ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો. કિશોરની નોટબુકમાંથી સ્વામીએ માતા-પિતા વિરુદ્ધ કહેલી વાતો પણ લખેલી મળી આવી છે. 

તે સતત સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો અને પુત્રની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કર્યા પછી બંનેનું કોલ રેકોર્ડિંગ સાંભળતા જનાર્દન સ્વામીનો ભાંડો ફૂટ્યો હતો.

જનાર્દન સ્વામીએ કિશોરને કહ્યું - “કાલે આવી જા, નાઈટ ક્રિકેટ રમવાની મજા આવે છે ને?”

જનાર્દન સ્વામીએ કિશોરને કરેલા કોલનું રેકોર્ડિંગ કિશોરના પિતા અશોકભાઈ પાસેથી પ્રાપ્ત થયું છે. જનાર્દન સ્વામી કિશોરને કહી રહ્યા છે કે કાલે જ ગુરુકુળ આવી જ અને ના પાડે તો ગુરુકુળ જવાની હઠ પકડી લેવાની. અને જો ગુરુકુળમાંથી કોઈ આવતું હશે તો હું તને લેવા મોકલી આપીશ. સાંભળો જનાર્દન સ્વામીનું આ કોલ રેકોર્ડિંગ : 

શાળાના આચાર્યએ શું કહ્યું? 

આ સમગ્ર મામલે ગુરુકુળ સ્કૂલના આચાર્ય બારીયા નારણભાઈએ કહ્યું કે ગુરુકુળમાં શિક્ષણ અને ધર્મ બંનેનો અભ્યાસ કરાવવામાં આવે છે. હિન્દુ ધર્મનો પ્રચાર થાય તે હેતુથી સંતો બાળસભાઓ લેતા હોય છે. જો કે આચાર્યએ આ સમગ્ર મામલે હાથ ઊંચા કરી દીધા અને પોતે કઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. ઉપરાંત જનાર્દન સ્વામીના વાયરલ થયેલા ઓડિયો રેકોર્ડિંગ અંગે પણ પોતાને કાંઈ ખબર ન હોવાનું કહ્યું હતું. 

જનાર્દન સ્વામી ગુરુકુળમાંથી ગાયબ? 

આ સમગ્ર મામલો સામે આવતા જનાર્દન સ્વામી ગુરુકુળમાંથી ગાયબ થઈ ગયા હોવાની વાત વહેતી થઇ છે. જો કે ગુરુકુળના આચાર્યએ કહ્યું કે જનાર્દન સ્વામી જુનાગઢ ગયા છે. 

આ સમાચાર શેર કરો