Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : tree fell in Jamnagar due to strong winds, the women's police station in ruins

Jamnagarમાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને નુકસાન

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagarમાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને નુકસાન
સોર્સ : gstv

જામનગર શહેરના મહિલા પોલીસ મથકમાં વહેલી પરોઢિયે એક ગંભીર ઘટના સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે મહિલા પોલીસ મથકની બાજુમાં આવેલું એક વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને સીધું પોલીસ મથકની ઇમારત પર ધરાશાયી થયું હતું. જેના કારણે સમગ્ર પોલીસ મથકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદભાગ્યે, ઘટના સમયે પોલીસ મથક બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પોલીસ મથકની ઇમારત અને અંદર રાખેલા સરકારી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

App Store

સરકારી સામાનને મોટું નુકસાન

આજે રવિવારે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક જોરદાર ધડાકા સાથે આ વિશાળ વૃક્ષ મહિલા પોલીસ મથક પર પડ્યું હતું. જૂના નળિયાવાળા મકાનમાં કાર્યરત આ મહિલા પોલીસ મથકની છત અને નળિયાં તૂટી પડતાં અંદર કાટમાળના ઢગલા થઈ ગયા હતા. આ અકસ્માતને કારણે પોલીસ મથકમાં રાખવામાં આવેલું ફર્નિચર, મહત્વના દસ્તાવેજો અને અન્ય સરકારી સામાનને મોટું નુકસાન થયું છે.

ફાયર બ્રિગેડની કામગીરી

આ ઘટનાની જાણ સવારે જ્યારે મહિલા પોલીસ કર્મચારી ફરજ પર પહોંચ્યા ત્યારે થઈ હતી. તેમણે પોલીસ મથકની દયનીય હાલત જોઈ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગે માહિતગાર કર્યા હતા. આ સાથે જ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

બે કલાક સુધી ભારે જહેમત 

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પાંચ જેટલા ફાયર જવાનો કરવત સહિતના આધુનિક સાધનો સાથે બચાવ કામગીરીમાં જોડાયા હતા. વૃક્ષની વિશાળ ડાળીઓ અને થડને કાપીને દૂર કરવા માટે સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ મથક અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત રીતે સાફ કરવામાં આવ્યો હતો.

વીજ પુરવઠો ખોરવાયો

વૃક્ષ ધરાશાયી થવાના કારણે PGVCLની વીજલાઈનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વીજ વાયરો તૂટી ગયા હતા તેમજ વીજ મીટર ઉખડીને લટકી જતાં સમગ્ર પોલીસ મથકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેના પરિણામે પોલીસ મથકમાં કમ્પ્યુટર અને વીજળી સંબંધિત તમામ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.

વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થળાંતરની તૈયારી

આ બનાવ બાદ મહિલા પોલીસ મથકના PSI સહિત 20થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ પોલીસ મથકની બહાર ખુરશીઓ ગોઠવીને વહીવટી કામકાજ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઇમારતની જર્જરિત હાલત અને અંદર પડેલા કાટમાળના કારણે નિયમિત કામગીરી કરવી શક્ય બની ન હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસ મથકને તાત્કાલિક ધોરણે અન્ય કોઈ યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોલીસની કામગીરી વૈકલ્પિક જગ્યાએથી ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી જામનગરમાં પવનની તીવ્રતા ખૂબ વધી ગઈ છે, જેના કારણે શહેરના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મહિલા પોલીસ મથક પર સર્જાયેલી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સરકારી મિલકતને મોટા પાયે નુકસાન થયું છે.