જામનગરમાં ભાજપને ડબલ ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Parshottam Rupala Controversy : રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઇ

Parshottam Rupala Controversy : રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જામનગરમાં ભાજપ માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, બીજી તરફ જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન પણ યોજાયું હતું.
ભાજપ નેતા અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
જામનગરમાં ભાજપના નેતા હરેન્દ્રસિંહ જાડેજા સહિત 500થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાની હાજરીમાં ભરતી અભિયાન હાથ ધરાયું હતું. અગાઉ પણ અનેક ભાજપ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ રૂપાલા હોવાનું મનાય રહ્યું છે.
જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું
બીજી તરફ જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરાઈ હતી. જેમાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા તૈયાર નથી.
7મી મેના રોજ યોજનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે રાજપૂત સમાજના ભાઈઓ તેમજ બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી જશે. રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મરથ ગામડે ગામડે ફેરવવામાં આવી રહ્યો છે અને પાર્ટ 3 પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.






