મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જલારામ બાપાની 226મી જન્મજયંતિ, વીરપુરમાં ભવ્ય ઉજવણી, જાણે બીજી દિવાળી!

'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો' આ જીવનમંત્રને અપનાવનાર સંત શિરોમણી

'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો' આ જીવનમંત્રને અપનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 226 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પૂજ્ય બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓમાં બાપા પ્રત્યેની અપાર આસ્થાના દર્શન થયા હતા. પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે ભાવિકો મોડી રાતથી જ આવી ગયા હતા. મંદિરની બંને બાજુએ એક-એક કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.

પરિવાર દ્વારા પ્રથમ આરતી

આજે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા સમાધિએ પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

જલારામ જયંતિની ઉજવણીમાં વીરપુરવાસીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. સમગ્ર યાત્રાધામ વીરપુરમાં આજે જાણે બીજી દિવાળીનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ ઘેર-ઘેર સુંદર રંગોળીઓ કરી, દરવાજે આસોપાલવના તોરણો બાંધ્યા અને ઘરો પર રોશનીનો શણગાર કર્યો છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે દિવાળીમાં તો બધા રંગોળી કરે જ છે, પરંતુ વીરપુરમાં તો આજે જ દિવાળી હોય તેમ સમગ્ર ગામને સોળે શણગારવામાં આવ્યું છે.

ભક્તિ, ભોજન અને પરચાની ઝાંખી

મુખ્ય રસ્તાઓ અને ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં બાપાના પરચાની આબેહૂબ રંગોળીઓ પણ ભાવિકોનું ધ્યાન ખેંચી રહી છે. દેશ-વિદેશમાં ભજન, ભોજન અને ભક્તિનો ડંકો વગાડનાર બાપાની 226 મી જન્મજયંતિ નિમિત્તે વીરપુરના રસ્તાઓ પર ઠેર-ઠેર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભાવિકો માટે પાણી, સરબત તેમજ છાશના પરબ અને ઠેર-ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે.

જ્યોત્સવ સમિતિ દ્વારા બાપાની 226 મી જન્મજયંતિ હોવાથી વિશેષરૂપે 226 કિલો બુંદીનો મહાપ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે. વીરપુરવાસીઓએ ફટાકડા ફોડીને અને આતશબાજી કરીને પૂજ્ય જલારામ બાપાના જન્મદિનના વધામણાં કર્યા છે, જેનાથી ભક્તિમય વાતાવરણમાં ઉત્સવનો ઉમેરો થયો છે.

આ સમાચાર શેર કરો