યુટ્યુબરનો કીર્તિ પટેલે હુમલો કરાવ્યાનો ગંભીર આરોપ, ખજૂરભાઈના સમર્થનમાં પોસ્ટ કર્યા બાદ યુવાનને ઢોર માર મારી શખ્સો ફરાર
ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને મોડી રાત્રે ઘંટીયા ગા

ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને મોડી રાત્રે ઘંટીયા ગામના ફાટક નજીક ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કિર્તી પટેલની સંડોવણી સામે આવી છે. યુટ્યુબરે દાવો કરતાં કહ્યું કે, 'મારૂં અપહરણ કરી માર મારતી વખતે આ અજાણ્યા શખસોએ કિર્તી પટેલને વીડિયો કોલ કર્યો હતો.
રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાંખો
આ વીડિયો કોલમાં કિર્તીએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાંખો. કિર્તીના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાંખ્યા અમે મને ઢોર માર મારવામાં આવ્યો હતો.' જોકે, હાલ યુટ્યુબર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું હતો સમગ્ર મામલો?
યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના આરોપ અનુસાર, 'ત્રણ કારમાં આવેલાં 10 થી વધુ શખ્સોએ મારૂં અપહરણ કર્યું હતું, જેમાં બે યુવતીઓ પણ હતી. ત્યારબાદ તેઓ કારને એક ગોળના રાબડામાં લઈ ગયાં. જ્યાં મારા કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કિર્તી પટેલને વીડિયો કૉલ કર્યો હતો.
જેમાં કિર્તી પટેલ એવું કહેતી હતી કે, રોયલ રાજાની મૂંછ અને વાળા સારા નથી લાગતાં, તેને કાપી નાંખો. બાદમાં હુમલાખોરોએ મારા વાળ અને મૂંછો કાપી ઢોર માર માર્યો. આ સિવાય મારી પાસે માફી મંગાવતો વીડિયો પણ બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની પણ વાત કહી હતી. આ સિવાય મારી પાસેથી 28 હજાર રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા હતાં.'
પોલીસ ફરિયાદમાં આરોપ
સમગ્ર મામલે યુટ્યુબરે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું કે, 'આ પહેલાં મેં યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ મિત કાના, અર્જુનસિંહ, કાનો અને સિદ્ધરાજ સાથે મારે માથાકૂટ થઈ હતી. ત્યારે પણ મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હું ઘંટિયા ફાટક પર રીલ બનાવતો તે સમયે ત્રણ કારમાં આવેલાં લોકો મને ઉપાડી ગયા અને ઢોર માર માર્યો. આ સિવાય મારી સોનાની ચેઇન અને 28 હજાર રોકડા પર લૂંટી ગયાં. આ સિવાય મને ધમકી આપી કે, જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશું.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે પોલીસે યુટ્યુબરની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી. પોલીસ સમગ્ર મામલાની હકીકત અને કિર્તી પટેલની સંડોવણીની તપાસ કરી રહી છે.








