ગુજરાત ATSએ પકડેલા આતંકી ફૈઝાન શકીલ સલમાનીની તપાસ NIAને સોંપાઈ
ગુજરાત પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) અને નવસારી પોલીસે જાન્યુઆરી 2026માં એક મોટા આત

ગુજરાત પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) અને નવસારી પોલીસે જાન્યુઆરી 2026માં એક મોટા આતંકવાદી ષડયંત્રને સમયસર નિષ્ફળ બનાવ્યું હતું. આ કેસમાં ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવક ફૈઝાન શકીલ સલમાની (ઉર્ફે ફૈઝાન)ની ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝાન અને અબુ બકર વગેરે દ્વારા આતંકવાદી કૃત્ય માટે ષડયંત્ર રચવા, લોકોને જિહાદ માટે ઉશ્કેરવા અને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખને ભારતથી અલગ કરવાની કોશિશનો આરોપ છે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. 21 માર્ચ 2026ના રોજ જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ અપરાધ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર જોખમ છે.
અમદાવાદમાં ફૈઝાન અને મોહમ્મદ અબુ બકર વિરુદ્ધ FIR નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક અનલાઇસન્સ્ડ પિસ્તોલ, 06 કારતૂસ અને અન્ય સામગ્રી મળી આવી હતી. કેન્દ્ર સરકારના મતે આ કેસ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી વ્યક્તિઓ દ્વારા ભારત સરકાર સામે યુદ્ધ છેડવાના ષડયંત્રનો ભાગ છે. આ અપરાધની ગંભીરતા અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અસરને જોતાં મોટા ષડયંત્રને ઉજાગર કરવા માટે આ તપાસ NIA દ્વારા કરવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે.
કોણ છે ફૈઝાન?
ફૈઝાન શકીલ સલમાની મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના દુંદાવાલા ગામનો છે. છેલ્લા કેટલાક સમયથી નવસારીના ઝરકવાડ વિસ્તારમાં દરજી તરીકે કામ કરતો હતો. ATS અનુસાર તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ દ્વારા તે જિહાદી વિચારધારા ફેલાવતો હતો. તે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની આદર્શોથી પ્રભાવિત હતો. તેની સાથે મોહમ્મદ અબુ બકર પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.
ધરપકડ અને કબજે કરાયેલી સામગ્રી
25 જાન્યુઆરી 2026ના રોજ નવસારીમાં ATS અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ફૈઝાનની અટકાયત કરવામાં આવી. તલાશી દરમિયાન તેની પાસેથી હથિયારો પણ મળ્યા હતા. 25 જાન્યુઆરી 2026ના રોજ ATS અમદાવાદ ખાતે કેસ નોંધાયો છે.






