Video: ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, ચોકલેટ-ડ્રિંકની આડમાં લવાતો હતો નશાકારક જથ્થો

રૂ. 25 કરોડથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે જોડાયેલા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસની સંયુક્ત તપાસમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ખુલ્યા છે. તપાસમાં હેરોઇનનો જથ્થો અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ જથ્થો દિલ્હીથી રાજકોટ પહોંચાડવાનો હતો અને રાજકોટના ડ્રગ્સ માફિયા અસલમ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
ચોકલેટની આડમાં લવાતો જથ્થો
તપાસ દરમિયાન 2.5 કિલોથી વધુ MD ડ્રગ્સ અને 4.5 કિલોથી વધુ હેરોઇન જપ્ત કરવામાં આવ્યાં છે. ડ્રગ્સને ચોકલેટ, ડ્રિંક અને રેડીમેડ પ્રકારનાં પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી કફીલ અહેમદ અને તીફેલ નોખેજની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. કફીલ અહેમદ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો અને પેરોલ પર બહાર આવ્યા બાદ ફરી આ નેટવર્કમાં સક્રિય થયો હોવાનો આરોપ છે. મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વીની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે.
આરોપીઓ અમદાવાદમાં એક દિવસ રોકાવાના હતા
પોલીસ તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો રાજકોટ, જૂનાગઢ સહિત ગુજરાતનાં સાત સ્થળોએ પહોંચાડવાનો હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ અમદાવાદમાં એક દિવસ રોકાવાના હતા. ડ્રગ્સના નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી મારફતે થતા હતા અને સંપર્ક માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ થતો હોવાની માહિતી મળી છે.
ડ્રગ્સની હેરાફેરી માટે મહિલાઓનો ઉપયોગ થતો હોવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય નેટવર્કનાં તાર દિલ્હી, રાજસ્થાન અને પંજાબ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. ડ્રગ્સની હેરાફેરી માટે મહિલાઓ અને પરિવારોનો ઉપયોગ થતો હોવાની શક્યતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રોનનો ઉપયોગ થતો હોવાની વિગતોને આધારે પોલીસ હવે ગુજરાતના અન્ય ડ્રગ્સ પેડલરો અને માફિયાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.











