મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ, ઠકરાર ગેન્ગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ; 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શ

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ, ઠકરાર ગેન્ગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ; 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન મામલે મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ઠકરાર ગેન્ગના કૂલ 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઠકરાર ગેન્ગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધાઇ છે. તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું છે જેમાં 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન અને 16 કરોડની ઠગાઇનો ખુલાસો થયો છે.

શું છે ઘટના?

અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 61,204,308 (2), 318 (2), 319(2), 336(2), 336(3), 340(2) તથા આઇ.ટી.એક્ટ કલમ 66 (C), 66 (ડી), મુજબનો (ડીજીટલ એરેસ્ટ)નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા ઉપરોક્ત ગુનાની તપાસ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે તબદીલ કરવામાં આવતા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમની સુચના તથા માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાહિત પ્રવૃતિ કરવામાં કેટલાક શખ્સોની સંડોવણી સામે આવી હતી.

સાવન,ધવલ, ગોવિંદ, બ્રિજરાજસિંહ, કેવલ, હસમુખ ઉર્ફે હિતેષ, દુબઇ સ્થિત આરોપી મિલન

આરોપીઓની ક્રાઇમ કરવાની મોડસ ઓપરેન્ડી

કમ્બોડીયા અને મ્યાનમારથી ભારતભરમાં ડીજીટલ એરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ, પાર્ટ ટાઇમ જોબ ફ્રોડ વગેરે જેવા ગુન્હા આચરતી ચાઇનીઝ ગેંગને આ ક્રાઇમ આચરવા માટે ત્રણ પ્રકારના એજન્ટની જરૂર પડે છે.

1) એવા એજન્ટ જે તેમને મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરે છે જેમાં તેઓ વિક્ટીમ સાથે કરેલ ફ્રોડના નાણા જમા કરાવતા હોય છે.
2) એવા એજન્ટ કે જે ચાઇનીઝ ગેન્ગ દ્વારા ફ્રોડના નાણા ભારતીય બેન્ક ખાતામાં મેળવવામાં આવે છે અને તે ભારતીય નાણું ક્રિપ્ટો કરન્સી જેમ કે યુ.એસ.ડી.ટીમાં કન્વર્ટ કરી આપી તે નાણા વિદેશમાં બેઠેલ ચાઇનીઝ ગેન્ગના સભ્યો સુધી પહોંચાડે છે.
3) એવા એજન્ટ કે જે તેમને ફ્રોડ કરવા માટે જરૂરી સીમકાર્ડ ઉપલબ્ધ કરાવે છે.

આ કેસમાં ચાઇનીઝ ગેન્ગને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતી ગેન્ગની મોડસ ઓપરેન્ડી

  • સૌ પ્રથમ આ ગુનાહિત પ્રવૃતિ કરનાર ચાઇનીઝ ગેન્ગના સંપર્કમાં રહેલ દુબઇ સ્થિત આરોપી મિલન 'ઠકરાર ગેન્ગના' મુખ્ય કર્તાહર્તા સાવન અને ધવલ ઠકરાર દ્વારા ઓપરેટ કરવામાં આવતા જુદી જુદી વ્યક્તિઓના ખાતામાં ફ્રોડની એમાઉન્ટ નાખતો હતો.
  • જે ફ્રોડની એમાઉન્ટ સાવન અને ધવલ ઠકરાર દ્વારા ઓપરેટ કરવામાં આવતા ખાતામાં આવ્યા બાદ આ ફ્રોડની રકમ ઘણીવાર આ આરોપીઓ પોતે તેમજ તેના મળતિયા માણસો કેવલ ગઢવી, ગોવિંદ જે તે બેન્કના ATM મારફતે, ચેક દ્વારા, C.M.S મારફતે કેસ વિડ્રો કરી મેળવતા હતા.
  • જે ફ્રોડની રકમ વિડ્રો કર્યા બાદ આ રકમ આંગડીયા પેઢી મારફતે આરોપી બ્રીજરાજ અને હસમુખ નસીતને મોકલી આપવામાં આવતી હતી. જે રકમ મેળવી આરોપી બ્રીજરાજ અને હસમુખ નસીત જે તે રકમને ક્રિપ્ટોકરન્સી (યુ.એસ.ડી.ટી)માં કન્વર્ટ કરતા હતા.
  • આરોપી બ્રીજરાજ અને હસમુખ ફ્રોડ રકમની ક્રિપ્ટોકરન્સી (યુ.એસ.ડી.ટી)માં કન્વર્ટ કર્યા બાદ તે યુ.એસ.ડી.ટી આરોપી સાવન અને ધવલ દ્વારા પોતાના ક્રિપ્ટોવોલેટમાં અથવા તેઓને દુબઇ સ્થિત આરોપી મિલન દ્વારા જે ક્રિપ્ટોવોલેટ આપવામાં આવતા હતા તેમાં આ યુ.એસ.ડી.ટી મોકલી આપતા હતા.

આમ ગુનાહિત પ્રવૃતિ આરોપી ધવલ ઠકરારની આંબાવાડી સ્થિત ઓફિસ ખાતે તમામ આરોપીઓ બેસી ભેગા મળી કરતા હતા. જે ઓફિસ ખાતે સાયબર ક્રાઇમ ખાતે દાખલ થયેલ ગુના સંદર્ભે રેઇડ કરતા જુદી જુદી બેન્કની પાસબુક નંગ-65, જુદી જુદી બેન્કની ચેક બુક નંગ-158, ડેબિટ ક્રેડિટ કાર્ડ નંગ-45, મોબાઇલ ફોન નંગ-12, જુદી જુદી કંપનીના સીમકાર્ડ નંગ-49 તેમજ કેસ કાઉન્ટરમશીન નંગ-1 અને રોકડા રૂપિયા 37,11,800 તથા તેમજ અન્ય મુદ્દામાલ મળી કૂલ કિંમત રૂપિયા 37,57,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

આ આરોપીઓ ઉપર જુદી જુદી વ્યક્તિઓના બેન્ક ખાતાની કિટો મેળવી તે ખાતાઓમાં દુબઇ સ્થિત આરોપી મિલનની મદદથી ગુનાહિત પ્રવૃતિના પૈસા નંખાવતા હતા અને જે પૈસા કેસમાં ઉપાડી ઉપર તેના ક્રિપ્ટો કરન્સી કન્વર્ટ કરતા હતા અને આ ગુનાહિત પ્રવૃતિ માટે પોત પોતાનું માર્જીન રાખી કમિશન મેળવી કમાણી કરવાનું કામકાજ કરી ગુનાહિત પ્રવૃતિ કરતા હોવાનું અને પોતાનો ઉદ્દેશ પાર પાડવા માટે સિન્ડિકેટ રચી એકબીજાની મદદગારી કરી સિન્ડિકેટ વતી વ્યક્તિગત તથા સંયુક્ત રીતે કામ કરતી સંગઠિત રીતે ગુનાહિત પ્રવૃતિ આચરતા હોવાનું જણાઇ આવ્યું હતું.

આ ગુનામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) એક્ટ 2015ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો