મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડૂતો માટે સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, ગુજરાતમાં લાભ પાંચમ બાદ...

ગુજરાતમાં ખરીફ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મ

ખેડૂતો માટે સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, ગુજરાતમાં લાભ પાંચમ બાદ...

ગુજરાતમાં ખરીફ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે. રાજ્યમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો ઉપર 90 દિવસ સુધી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. 3 ઓક્ટોબરથી ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.

ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી અર્થાત તા.૧૧મી નવેમ્બર, ૨૦૨૪ના રોજથી ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. ૦૩ ઓક્ટોબરથી ૩૧ ઑક્ટોબર,૨૦૨૪ દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તેમજ સોયાબીન રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે ૬૧,૩૭૨ લાભાર્થી ખેડૂતો પાસેથી  રૂ. ૬૭૧ કરોડથી વધુ કિંમતના ૧,૧૮,૦૦૦ મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો