અરવલ્લીમાં દારૂની ગાડી પકડી તોડ કર્યો, દારૂ ગૌચરમાં છુપાવી દીધો; બે TRB જવાનની ધરપકડ, GRD જવાન ફરાર
અરવલ્લી જિલ્લામાં પોલીસના જવાનોનો વધુ એક દારૂકાંડ સામે આવ્યો છે. ગુજરાત પોલીસનું નાક વઢાય તેવી ઘટના

અરવલ્લી જિલ્લામાં પોલીસના જવાનોનો વધુ એક દારૂકાંડ સામે આવ્યો છે. ગુજરાત પોલીસનું નાક વઢાય તેવી ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે. પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા બે TRB અને એક GRD જવાનની મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે.
દારૂ ગૌચરમાં છુપાવી દીધો
અરવલ્લી જિલ્લાના ધનસુરાના કોલવડા ગામની સીમમાં જીપ ડાલામાં દારૂ ઝડપ્યો હતો. બે TRB, એક GRD જવાન અને એક ખાનગી માણસે મળીને પકડાયેલો દારૂ ગાયબ કરી દીધો હતો. સુરક્ષાકર્મીઓએ 1.96 લાખની કિંમતની 1239 બોટલોને સગેવગે કરી નાખી. બે TRB, એક GRD જવાને લાખો રૂપિયાનો દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો. દારૂ પકડવા મામલે કાર્યવાહી કરવાના બદલે જીપ ચાલક સાથે તોડ કરી નાખ્યો હતો.
બે સુરક્ષા કર્મીઓની ધરપકડ
સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે સુરક્ષા કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જીપ ચાલક, એક TRB અને એક ખાનગી માણસ ફરાર છે. અરવલ્લી પોલીસની આબરૂ લેતી વધુ એક ઘટનાથી ચકચાર મચી ગયો છે. પોલીસકર્મીઓ જ દારૂને સગેવગે કરી બુટલેગરોને વેચતા હોવાની શક્યતા સેવાઈ રહી છે.
ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી ઝડપાયો હતો દારૂ
ગઈકાલે અરવલ્લીમાં પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. LCBની ટીમે ધનસુરાના રહીયોલ ગામમાં પોલીસકર્મીના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસકર્મી વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારુ જપ્ત કર્યો. પોલીસકર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારુ ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા જ તે ફરાર થઇ ગયો હતો. આ પહેલા પણ પોલીસકર્મી દારૂના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. સાબરકાંઠા પોલીસે અગાઉ દારૂના કેસમાં કાર્યવાહી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો. બુટલેગર બનેલો પોલીસકર્મી વિજય પરમારને પકડવા માટે LCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.








