Surat/ બારડોલીમાં ધોરણ-12ની વિદ્યાર્થિનીએ કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં કરી આત્મહત્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે એક કરુણ ઘટના બની છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પરીક્ષાના ભારણ અને પેપર નબળું જવાના આઘાતમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
બારડોલીના બાબેન ગામમાં આવેલા ગોપાલ નગરમાં રહેતી ધોરણ-12ની વિદ્યાર્થિનીએ ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) નું પેપર હતું. આ વિદ્યાર્થિની બીજી વખત બોર્ડની પરીક્ષા આપી રહી હતી, તેથી તેના પર સારો દેખાવ કરવાનું દબાણ વધુ હતું. પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ પ્રશ્નપત્ર અઘરું લાગતા અને ધાર્યા મુજબનું પેપર ન જતાં તે ભારે હતાશામાં સરી પડી હતી. અંતે, આ હતાશા હિંમતમાં ફેરવાઈ અને તેણે આત્મઘાતી પગલું ભરી લીધું.
પરિવારમાં માતમ
દીકરીના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા હતા, તેનો મૃતદેહ જોઈને માતા-પિતા અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.








