સુરતમાં કેન્સરના દર્દીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા પ્રયાસ, ઉત્સવમાં ઉત્સાહ વધારવા કરાયું ગરબાનું આયોજન
કેન્સર નામ સાંભળતા જ જીવન કેન્સલ એવી માન્યતા હતી. જો કે, હવે વિજ્ઞાનમાં થયેલા સંશોધ

કેન્સર નામ સાંભળતા જ જીવન કેન્સલ એવી માન્યતા હતી. જો કે, હવે વિજ્ઞાનમાં થયેલા સંશોધન અને સારવાર પધ્ધતિના કારણે દર્દીઓને નવા જીવન પણ મળી રહ્યાં છે. ત્યારે કેન્સરને મ્હાત આપીને સાજા થયેલા અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે. ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર અંગે અપાયું માર્ગદર્શન
ગરબા અગાઉ કેન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓને માર્ગદર્શન આપતાં ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્સર કેવી રીતે થાય છે તેની વિગત આપવામાં આવી હતી. સાથે જ દર્દીઓને કેન્સર ન થાય તે માટે ખાવા-પિવાથી લઈને જીવન શૈલી સારી રાખવા અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
દર્દીઓને પ્રેમ અને હૂંફ આપવી જરૂરી
ડૉ. દિવ્યેશ પાઠકે કહ્યું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે કેન્સરના દર્દીઓ માટે એક સ્પેશિયલ હોસ્પિટલ હોય એ જરૂરીયાત અનુભવતા અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુ હોસ્પિટલનો પાયો નખાયો. એક વર્ષ પહેલાં દશેરાના દિવસે પ્રાઈમ આર્કેડની સામે સહજ આઇકોનમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. દિવ્યેશ પાઠકે 250 થી વધારે સફળ સર્જરી અને 150 જેટલી સફળ કીમો થેરેપી કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. ત્યારે હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને આવા દર્દીઓ પ્રત્યે હૂંફથી અને પ્રેમથી સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.








