મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: દુર્લભ પશુ પેંગોલિનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દુર્લભ વન્યપ્રાણીઓના ગેરકાયદે વેચાણના એક મોટા રેકે

Rajkot: દુર્લભ પશુ પેંગોલિનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દુર્લભ વન્યપ્રાણીઓના ગેરકાયદે વેચાણના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGએ લાખો રૂપિયાના મૂલ્યના દુર્લભ 'પેંગોલિન' (કીડીખાવ) સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની ધરપકડ 

SOG દ્વારા બિજલ સોલંકી અને દિલીપ મકવાણા નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા દુર્લભ પેંગોલિનને રાજકોટમાં લાખો રૂપિયામાં ગેરકાયદેસર રીતે વેચવા માટે આવ્યા હતા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 'શેડયૂલ-1' માં સમાવિષ્ટ આ અત્યંત દુર્લભ પ્રાણીનો મોટો સોદો થાય તે પહેલાં જ SOGએ સફળતાપૂર્વક તેમને પકડી પાડ્યા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સો ગીરના જંગલ વિસ્તારમાંથી પેંગોલિનની તસ્કરી કરીને તેને મોટા શહેરોમાં વેચાણ માટે લાવતા હતા. આ પેંગોલિનને ગીરના ઘાંટવડ ગામની એક વાડીમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓ અને પેંગોલિનને વધુ કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા હવે આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે 

  • અત્યાર સુધીમાં કેટલા પેંગોલીનનું વેચાણ કરવામાં આવ્યું છે?
  • આ વેચાણ કેટલા રૂપિયામાં કરવામાં આવ્યું હતું?
  • આ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે?

વન વિભાગે આ રેકેટમાં સંડોવાયેલા વધુ એક શખ્સને પકડવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની દ્રષ્ટિએ SOG અને વન વિભાગની આ કામગીરી મહત્વપૂર્ણ ગણાય છે.

આ સમાચાર શેર કરો