Video: મહારાષ્ટ્રમાં ખેડૂતોનું ₹2 લાખ સુધીનું દેવું માફ તો ગુજરાત સરકારને શું પેટમાં દુઃખે છે? પાલ આંબલિયાની આંદોલનની ચિમકી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોને ₹2 લાખ સુધીના પાક ધિરાણમાં રાહત આપવાના મુદ્દે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ તેજ બની છે. આ મામલે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવતાં દિવાળી સુધીમાં ખેડૂતોના પાક ધિરાણ માફી અંગે પુનર્વિચારણા કરવાની માંગ કરી છે. જો સરકાર આ મુદ્દે નિર્ણય નહીં લે તો આગામી 12 નવેમ્બરથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
મહારાષ્ટ્ર સરકારે દેવું માફ કર્યું
પાલ આંબલિયાએ મહારાષ્ટ્ર સરકારની 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકર સેતકરી યોજના'નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને ₹2 લાખ સુધીના દેવા માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે. યોજનાની ચોથી યાદી મુજબ 4.15 લાખ ખેડૂતોના ₹2 લાખ સુધીનાં દેવા માફ કરવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ચાર યાદીઓમાં અંદાજે 40થી 45 લાખ ખેડૂતોને દેવા માફીનો લાભ મળ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
દિવાળી સુધીમાં પુનર્વિચારણા કરવાની માગ
આ મુદ્દે ગુજરાત સરકારને સવાલ કરતાં પાલ આંબલિયાએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોનું ₹2 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરી શકે તો ગુજરાત સરકારને શું વાંધો છે? તેમણે રાજ્ય સરકારને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા અને પાક ધિરાણ માફી અંગે દિવાળી સુધીમાં પુનર્વિચારણા કરવાની માગ કરી છે.
12 નવેમ્બરથી લડતના મંડાણ
તેમણે વધુમાં જણાવ્યું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો 12 નવેમ્બરથી લડતના મંડાણ કરવામાં આવશે. આંદોલનમાં ખેડૂતોનાં પાક ધિરાણ માફ કરવા ઉપરાંત વીજ લાઇનો માટે જમીનના બજારભાવના ચાર ગણા વળતરની માંગ પણ ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત ખોટી અને ભૂલભરેલી જમીન માપણીથી પીડિત ખેડૂતોને પણ આ લડતમાં જોડાવા પાલ આંબલિયાએ હાકલ કરી છે. આગામી દિવસોમાં સરકાર આ માંગણીઓ અંગે શું વલણ અપનાવે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.











