પ્રેમસંબંધનો ખતરનાક અંત: પતિએ પત્નીના પ્રેમીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી, આ રીતે ભાંડો ફૂટ્યો
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ડોલરીયા ગામે એક ચકચારી બનાવ સા
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ડોલરીયા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં પત્નીના આડા સંબંધોના કારણે પતિએ પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી. નવાગામના 23 વર્ષીય અપરણિત યુવક કિશનભાઈ બચલાભાઈ રાઠવાની ડોલરીયા ગામે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી તેની લાશને ઉકરડામાં દાટી દેવામાં આવી હતી.
નવાગામનો સુકલો ઉર્ફે ઝૂકલો બારીયા ડોલરીયા ગામે ઘર જમાઈ તરીકે રહેતો હતો. તેની પત્નીને નવાગામના કિશન રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો, જે તેના પતિ સુકલા ઉર્ફે ઝૂકલાને જરા પણ પસંદ નહોતો. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી સુકલાએ પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
બનાવની વિગત:
23 મી ઓક્ટોબરની મધરાત્રે કિશન રાઠવા મોટરસાયકલ લઈને પ્રેમિકાને મળવા ડોલરીયા ગામે આવ્યો હતો. આ જ સમયે પ્રેમીનો કાંટો કાઢવાની રાહ જોઈ રહેલા સુકલા ઉર્ફે ઝૂકલાએ ગામની ડેરીની સામે જ કિશન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી નાખી.
હત્યા કર્યા બાદ ઝૂકલાએ લોહી નીતરતી લાશને ચાદરનો ગાળિયો બનાવીને ઘરમાં પાછળના વાડામાં આવેલા ઉકરડામાં દાટી દીધી હતી, અને જાણે કશું બન્યું જ ન હોય તેવો ડોળ કર્યો હતો.
સગાઓ દ્વારા ભાંડો ફૂટ્યો:
સવારમાં મૃતક કિશનની બાઈક, ચપ્પલ અને એટીએમ કાર્ડ મળી આવતા કિશનના સગાઓને જાણ કરવામાં આવી હતી. નવાગામથી ડોલરીયા આવીને જોતાં લોહીના ખાબોચિયા અને લોહી નીતરતી લાશને ઘસડી લઈ જવાના પાટા જોવા મળ્યા હતા. પાટાના આધારે તપાસ કરતાં ઉકરડામાં દાટી દેવાયેલી અવસ્થામાં કિશનનો મૃતદેહ મળી આવ્યો હતો.
તત્કાળ કિશનના સગાઓએ પોલીસને 100 નંબર પર ફોન કરીને જાણ કરી હતી. ઝોઝ પોલીસ સ્ટેશનને જાણ થતાં પીઆઇ અરુણ પરમાર, પીએસઆઇ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ડોલરીયા ગામે દોડી ગયો હતો. પોલીસે સરકારી પંચોની રૂબરૂ ઉકરડામાંથી કિશનનો મૃતદેહ બહાર કઢાવી ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાં કરનાર પતિ સુકલા ઉર્ફે ઝૂકલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







