મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ સહિત વધુ ચાર જિલ્લામાં બનશે હ્યુમન મિલ્ક બેન્ક

વિશ્વ સ્તનપાન સપ્તાહની રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાર જિલ્લા

અમદાવાદ સહિત વધુ ચાર જિલ્લામાં બનશે હ્યુમન મિલ્ક બેન્ક

વિશ્વ સ્તનપાન સપ્તાહની રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાર જિલ્લામાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં નવી ચાર હૉસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ થશે.

રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે. 

રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ માં અત્યાર સુધીમાં 15,820 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે 12,403 બાળકોને લાભ અપાયો છે. રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ 415 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 449 બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,020 લીટર દૂધ એકત્ર કરાયું છે. 

ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી આશરે 1.3 લાખ પ્રિટર્મ હોય છે અને 18.5% ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો અસ્તિત્વ-જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે. 

આ અભિગમથી ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ NHM અંતર્ગત રાજ્યના ચાર શહેર સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ ઉપરાંત વર્ષ 2023-24માં અમદાવાદ,ભાવનગર,જામનગર તથા રાજકોટમાં નવી ચાર હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવાની મંજૂરી મળી છે. 

રાજ્યની અનેક માતાઓ બાળકોની અમૃતદાતા બની આ પહેલ

માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવામાં આવે છે.સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નૂકસાન કે દર્દ થતું નથી. 

આ સમાચાર શેર કરો