લોકસભા ચૂંટણી 2024: અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પાસે નથી કોઇ કાર, 5 વર્ષમાં કેટલી વધી સંપત્તિ
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાનું શરૂ થઇ ગયું છે ત્યારે અમદાવાદ જિલ્લાની બે બેઠક એવી

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાનું શરૂ થઇ ગયું છે ત્યારે અમદાવાદ જિલ્લાની બે બેઠક એવી ઇસ્ટ અને વેસ્ટમાંથી ઇસ્ટ બેઠકમાં કુલ બે ઉમેદવારના પાંચ ફોર્મ ભરાયા હતા. અમદાવાદ પશ્ચિમની બેઠકમાં એક પણ ફોર્મ ભરાયુ નથી.
અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલે ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વની બેઠકમાં ભાજપના ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ અને જેઓએ રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની કુલ મળીને 8.65 કરોડ જેટલી સંપત્તિ છે. હસમુખ પટેલ ટેક્સટાઇલ બિઝનેસમાં ભાગીદારી પણ ધરાવે છે.
ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા હસમુખ પટેલ અને તેમની પત્ની પાસે કુલ મળીને 8.65 કરોડની વિવિધ પ્રકારની સંપત્તિ છે. ઉમેદવારી ફોર્મ સાથે જમા કરવામાં આવેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓ પાસે રોકડ, બેન્કની બચત અને ઝવેરાત સહિતની કુલ જંગમ મિલકત 1,92,33,745 રૂપિયા છે. જેમાં 89.15 લાખથી વધુની થાપણ, શેર-ફંડ 29.10 લાખથી વધુના અને આપેલી લોન કે લેવાની થતી રકમ 68.65 લાખથી વધુની છે.
મહેસાણામાં છે કૃષિ જમીન
જ્યારે 4.76 લાખની કિંમતનું 80 ગ્રામ સોનું છે. આ ઉપરાંત તેમની સ્થાવર મિલકતમાં મહેસાણામાં એક કૃષિ જમીન છે તેમજ મહેસાણામાં જ એક બિનકૃષિ જમીનમાં 25 ટકા ભાગ છે. તેમનું 96 લાખનું રહેણાંક મકાન છે અને કુલ મળીને તેઓની પાસે 2,52,38,816 રૂપિયાની સ્થાવર મિલકત છે. જ્યારે તેમની પત્ની પાસે થાપણ 1.28 કરોડથી વધુની તથા શેર-ફંડ્સ 50 હજારથી વધુના અને આપેલી લોન કે લેવાની થતી રકમ પેટે 21,55,822 રૂપિયા છે.
આ ઉપરાંત તેઓની પત્ની પાસે 22.61 લાખની કિંમતનું 380 ગ્રામ સોનુ છે અને તેઓનું 59 લાખ રૂપિયાની કિંમતનું રહેણાક મકાન છે. હસમુખ પટેલે એચયુએફમાં 1.50 લાખથી વધુની થાપણ તથા 90 લાખથી વધુની આપેલી લોન કે લેવાની થતી રકમ દર્શાવી છે.
હસમુખ પટેલના પત્નીના નામે કેટલી છે મિલકત
હસમુખ પટેલની પત્નીના નામે સ્થાવર અને જંગમ મળીને 3.28 કરોડથી વધુની સંપત્તિ છે. હસમુખ પટેલે જમા કરાવેલી ઇન્કમટેક્સ રિટર્નની વિગતો મુજબ 2022-23ની 11.50 લાખની અને તેમની પત્નીની 9.85 લાખની તથા એચયુએફ એકાઉન્ટમાં 8.46 લાખની આવક છે. હસમુખ પટેલે પોતાના નામે દેવુ-જવાબદારી 11.75 લાખનું અને પત્નીના નામે 1.08 કરોડ તથા એચયુએફમાં 14.43 લાખના દર્શાવ્યા છે. મહત્ત્વનું છે કે હસમુખ પટેલ પાસે કાર કે કોઇ પણ પ્રકારનું વાહન નથી. 2019ની ચૂંટણી સમયે તેઓ પાસે 7.46 કરોડની સંપત્તિ હતી.








