AHMEDABAD : વટવા બાદ થલતેજ વિસ્તારમાં આવાસ યોજનામાં AMCની મોટી બેદરકારી, જાણો વિગત
Ahmedabad News : ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકામાં અંધેર નગરીને ચોપટ રાજા જેવો ઘાટ ઘડાયો છે. A

Ahmedabad News : ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકામાં અંધેર નગરીને ચોપટ રાજા જેવો ઘાટ ઘડાયો છે. AMCના અણઘડ વહિવટને કારણે વટવામાં 180 કરોડના ખર્ચે બનેલા 1664 મકાનો પડ્યા પડ્યા સડી ગયા, ગરીબોને ન મળ્યા અને હવે તૂટી રહ્યા છે. હવે થલતેજ વિસ્તારમાં આવાસ યોજનામાં AMCની મોટી બેદરકારી સામે આવી છે.
થલતેજની આવાસ યોજનામાં કોન્ટ્રાકટરે કામ પડતું મુક્યું
થલતેજ વિસ્તારમાં આવાસ યોજનાનું કામ ખોરંભે ચડ્યું હતું. કોન્ટ્રાક્ટર સંઘાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે માર્ચ મહિનાથી કામગીરી બંધ કરી દીધી છે. માર્ચ 2019માં આવાસ યોજનાના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. આ મકાનો 24 મહિનામાં તૈયાર કરવાના હતા, જો કે આ સમયગાળો ક્યારનો સમાપ્ત થઈ ગયો હોવા છતાં મકાનના નિર્માણની કામગીરી પૂરી થઈ નથી.
આ સ્થિતિના કારણે ઘરવિહોણા ગરીબ લાભાર્થીઓને હજી સુધી મકાન મળી શક્યા નથી. હવે આ આવાસોના બાંધકામ નિર્માણની અધૂરી કામગીરી પૂરી કરવા માટે હવે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
વટવા આવાસ યોજના બાબતે મેયરે કહ્યું, “મને કાંઈ ખબર જ નથી”
વટવા વિસ્તારમાં બનેલા આવાસો ખંડેર બની ગયા આ બાબતમાં ચોંકાવનારી વાત તો એ છે કે મેયર-પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન-પૂર્વ ચેરમેન કોઈને કાંઈ ખબર નથી.
વર્તમાન મેયર કહે છે કે મને તો છાપામાં વાંચ્યા બાદ ખબર પડી કે આવાસ તૂટી રહ્યા છે, પૂર્વ મેયર કહે છે મને ખબર નથી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે કે મારી ટર્મ શરૂ થયા પહેલાથી તૂટી રહ્યા છે એ ને પૂર્વ ચેરમેન કહે છે કે મેં તો એ આવાસો ફાળવવા કહેલું તૂટવા વિશે ખબર નથી.
સરકારે બનાવેલા મકાનો દસ વર્ષમાં જ એવા જર્જરિત કેવી રીતે થઈ જાય કે તોડવાનો કોન્ટ્રાક્ટ આપવો પડે? પહેલા મકાનો બાંધવાનો કોન્ટ્રાકટ, પછી તોડવાનો, કોન્ટ્રાક્ટરોને બખ્ખા અને અધિકારીઓને મલાઈ, પ્રજા સુધી કંઈ પહોંચતું જ નથી. આ બેદરકારી અને ભાગબટાઈ નથી તો શું છે?








