મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજના સ્મારક સિક્કાનું વિમોચન

ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે રહેલા કેન્દ્રીય ગૃહ અ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજના સ્મારક સિક્કાનું વિમોચન

ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ઉપસ્થિત આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહર કિર્તીસાગર સુરીશ્વરીજી મહારાજ તેમજ આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સહિત જૈનાચાર્ય મહારાજાના આશીર્વચન મેળવ્યા હતા.

આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે. મુખ્યમંત્રીએ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી ગણાવ્યા હતા. સીએમએ કહ્યું કે, બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સમાજ સુધારણા, સામાજિક જાગૃતિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રતાપે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

મુખ્યમંત્રીએ વર્ષ 2025ને ‘રાષ્ટ્ર ગૌરવ વર્ષ’ ગણાવ્યું

મુખ્યમંત્રીએ વર્ષ 2025ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવતાં કહ્યું કે આ સમગ્ર વર્ષ આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીની ઉજવણી તથા બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. એટલુંજ નહીં આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતી પણ આ વર્ષે ઉજવાઈ રહી છે તે એક સુભગ સુયોગ છે તેનો આનંદ તેમણે પ્રગટ કર્યો હતો.

ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ ઉપસ્થિત આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહર કિર્તીસાગર સુરીશ્વરીજી મહારાજ તેમજ આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સહિત જૈનાચાર્ય મહારાજાના આશીર્વચન મેળવ્યા હતા. અમદાવાદમાં આયોજિત સ્મારક સિક્કાના વિમોચન પ્રસંગે જૈનાચાર્યો, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય અમિતભાઇ શાહ, કૌશિકભાઈ જૈન તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો