અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, કચ્છના સિનિયર સીટીઝન પોઝિટિવ
HMPV in Gujarat : અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જેમાં ક

HMPV in Gujarat : અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જેમાં કચ્છના એક 59 વર્ષીય સિનિયર સીટીઝન સંક્રમિત થયા છે. આ દર્દીની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં HMPV 4 કેસ નોંધાયા
- અમદાવાદ : કચ્છના 59 વર્ષીય વૃદ્ધ
- અમદાવાદ : વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ
- અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં બાળક
- હિંમતનગર : 8 વર્ષનું બાળક
વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ હાલ મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે.
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે.
HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.








