Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : High Court's important verdict on rental agreement, "...then the owner can vacate his property"

ભાડા કરારને લઈને હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, "...તો માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે"

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2025
લાઇવ ટીવીGoogle News
ભાડા કરારને લઈને હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, "...તો માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે"

ભાડુઆત દ્વારા ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો શું મિલકત માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે એ મતલબના ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દાનો પ્રત્યુત્તર જસ્ટિસ સંજીવ ઠાકરે હકારાત્મક આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, મિલકત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો. 

App Store

ભાડુઆતને મિલકત ખાલી કરાવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને હાઇકોર્ટે બહાલ રાખ્યો

આ કેસમાં અમદાવાદના એક મિલકત માલિકે પોતાની મિલકત સાયકલ રિપેરના ધંધા માટે ભાડુઆતને આપી હતી અને તે અંગે કાયદેસર ભાડા કરાર(શરતો સાથેનો) કર્યો હતો. જો કે, બાદમાં ભાડુઆતે મિલકતના ઉપયોગનો હેતુ બદલી સીટ કવર અને એસેસરીઝના વ્યવસાય માટે કરતાં વિવાદ ટ્રાયલ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં ટ્રાયલ કોર્ટે હુકમથી ભાડુઆતને વ્યવસાયિક મિલકત ખાલી કરવા અંગેનો હુકમ કર્યો હતો. 

જો કે, એપેલેટ બેંચે આ હુકમ રદ કરતાં મિલકત માલિકત તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટના મિલકત ખાલી કરાવવા અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. 

હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ભાડા કરારની શરતોમાં સ્પષ્ટ હતું કે, મિલકતનો ઉપયોગ માત્ર ને માત્ર સાયકલ રીપેરીંગ વ્યવસાય માટે જ થવો જોઇએ અને અન્ય કોઇપણ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહી. કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ પણ મિલકતનો ઉપયોગ સીટ કવર, નંબર પલેટ, ઓટોમોબાઇલ એસેસરીઝના વ્યવસાય માટે થઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. 

ભાડુઆત તરફથી બચાવ કરાયો હતો કે, શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રીપેરીંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો અને કારણ કે, સાયકલનો ઉપયોગ ઘટી રહ્યો હતો. તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા.  

જો કે, હાઇકોર્ટે આ દલીલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ભાડુઆત દ્વારા તેમની ઉલટતપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે, મિલકતના વિવાદીત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલકત માલિકની કોઇ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલકત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડુઆત તેમને જે હેતુ માટે મિલકત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલકતનો ઉપયોગ કરી શકે નહી.