હોટલના રૂમમાં વીડિયો બનાવી મહિલાને બદનામ કરવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના આશ્રમ રોડ પરની એક હોટલમાં મહિલાને ટ્રેપમાં ફસાવીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને ₹5 લાખની માંગણી કરવાને મામલે મીડિયાકર્મીની ઓળખ આપનાર શખસો સામે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા માધ્યમ પર સમાચાર લક્ષી પોસ્ટ મુકીને પોતાને મીડિયાકર્મી ઓળખાવતા શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ તેમજ તેમની સાથે સંકળાયેલા શખસો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ હોવાનું જણાય છે.
શું છે સમગ્ર ઘટના?
શહેરના આશ્રમ રોડ પર આવેલી હોટલના એક રૂમમાં મહિલાને એક યુવક મળવા માટે આવ્યો હતો. એટલામાં થોડીવારમાં ત્રણ યુવકો ત્યાં રૂમમાં પ્રવેશ્યા હતા. રૂમમાં દાખલ થનારાઓએ પોતે મીડિયાકર્મી હોવાની ઓળખ આપી હતી. પછી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને મહિલા પાસે 5 લાખની માંગણી કરી હતી. જેમાં મીડિયાની ઓળખ આપનારા શખસોએ પોતે 'સ્ટાર ન્યૂઝ સેવન' ન્યૂઝ પોર્ટલના હોવાનું જણાવ્યું હતું. જો કે, આ સમયે બદનામીના ડરથી મહિલાએ તેઓને પૈસા આપી દીધા હતા. ઘટના બાદે સમગ્ર મામલે મહિલાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં મીડિયાકર્મીની ઓળખ આપનાર શખસોના નામ શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
આરોપી સામે અગાઉ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, સેટેલાઇટ અને ભાવનગર જિલ્લાના મહુવામાં ખંડણી અને છેડતીનો ગુનો નોંધાઇ ચુક્યો હતો. તેઓ ઇન્સ્ટાગ્રામ પર સમાચારનું પેજ રાખીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને ખંડણીની માંગણી કરતા હતા. પોલીસે ગુનો નોંધતા બંને આરોપીઓ અને તેના સાગરિતો ફરાર થઇ ગયા હતા. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ અગાઉ બનાસકાંઠામાં એક વેપારીને પોલીસ તરીકે બ્લેકમેઇલ કરીને નાણાંની માંગણી કરી હતી. જે કેસમાં માફી માંગીને સમાધાન કર્યું હતું. તેમજ રોહન વછેટા ઉર્ફે રોની નામના સાગરિતની મદદથી સ્પામાં ટ્રેપ ગોઠવીને વેપારીને બ્લેકમેઇલ કરીને ભાગીદારી સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત, પાલડીમાં પણ સલૂનની મહિલા સંચાલકને ધમકી આપીને લૂંટ કરી હતી. જે અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં પણ અરજી થઈ હતી. આરોપીના ગુનાહિત ઈતિહાસને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.







