દીવની હોટલના પાર્કિંગમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

દીવના ચોક વિસ્તારમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં કારમાંથી જેતપુરના એક યુવકનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. હોટલના સિક્યોરિટી ગાર્ડને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કારના કાચ તોડીને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરના નીતિન સરધારા તરીકે થઈ ઓળખ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જેતપુરના નિવાસી નીતિન સરધારા તરીકે થઈ છે. હોટલના સીસીટીવી (CCTV) ફુટેજ તપાસતાં મૃતક યુવક પોતે જ કાર પાર્ક કરતો નજરે પડી રહ્યો હતો. બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતાં તાત્કાલિક દીવ દોડી આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે મોતનું સાચું અને ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. યુવાન દીવમાં શા માટે આવ્યો હતો, તે હોટલમાં કોની સાથે રોકાયો હતો અને કારમાં કેટલા સમયથી તેનો મૃતદેહ પડ્યો હતો, તે તમામ મુદ્દાઓ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજના આધારે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

