Rajkot news: ચકચારી ગોંડલ રાજકુમાર જાટના મોતની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર SPને સોંપી
Rajkot news: ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમ

Rajkot news: ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુને સોંપવા માટે આદેશ કર્યો છે. 10 ડિસેમ્બર સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, રાજકુમાર જાટના મોતને લઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ પર આરોપ છે.
ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું. જેમાં યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે હત્યાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે CBIને વધુ તપાસ સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી. પુરોહિતને કેસની તપાસ સોંપવાનો આદેશ કર્યો છે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતાં રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'
આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.





