અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદમાં ચોમાસાની વિદાય બાદ પણ હજી જાણે જોરદાર ચોમાસું જામ્યું

અમદાવાદમાં ચોમાસાની વિદાય બાદ પણ હજી જાણે જોરદાર ચોમાસું જામ્યું હોય તેમ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર અને વરસાદી છાંટા પડ્યા.
પશ્ચિમ અને પૂર્વમાં પણ વરસાદ વરસ્યો
પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો . શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર પાણી ભરાવવાની પણ સમસ્યા સર્જાઈ હતી. તો બીજી તરફ વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ પડ્યા
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો.જેના કારણે એસપી રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ પર બનાવેલો પતરાનો શેડ પવનના કારણે ધરાશાયી થઈ ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.






