મહુવાના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતો રાત મૂર્તિ ખસેડવાના પડઘા સુરતમાં, હરિભક્તોએ વિરોધ કરી ગઢડામાં આંદોલનની આપી ચીમકી
સૌરાષ્ટ્રના મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસો અગાઉ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સૌરાષ્ટ્રના મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસો અગાઉ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આ નવા મંદિરમાં જૂના મંદિરમાંથી રાતો રાત મૂર્તિઓ ખસેડવામાં આવી હતી. જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતાં. આ મૂર્તિઓ નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ખસેડવામાં આવી હતી. ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલે વિરોધ સાથે આજે સુરતમાં હરિભક્તોએ દેખાવો કર્યા હતાં. સાથે જ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર વધ્યા સુવિધા નહી, લોકોને બેસવા નથી પૂરતાં ખુરશી-બાંકડા
ખુલાસાની માગ
સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્યસ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંકાયો છે. જેમાં શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મી નારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડાી છે. હનુમાનજી, ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી છે. કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાઈ તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે તેવી માગ કરાઈ છે.
ગઢડામાં આંદોલનની ચીમકી
નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસા ન આપી શકે તો સત્સંગ સમાજની જાહેર મંચ પરથી માફી માગે તેવું કહેતા હરિભક્તોએ કહ્યું કે, 8 દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરાશે. નિત્ય સ્વરૂપ દાસ સ્વામી સાચા હશે તો સત્સંગ સમાજ દંડવત કરશે. નહીં તો સ્વામી માફી માંગે તેવી વાત સુરતમાં વિરોધ કરી રહેલા લોકોએ ઉચ્ચારી છે.








