ગુજરાતનું 'બેરોજગારી મૉડલ', 14 હજાર સરકારી નોકરી માટે 13 લાખ લોકોએ કરી અરજી
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો મુદ્દો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.સર

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો મુદ્દો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.સરકારી નોકરીઓ માટે મોટી સંખ્યામાં લોકો અરજી કરી રહ્યાં છે. મહેસૂલ તલાટી અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) જેવી સરકારી નોકરીઓની ભરતીમાં થયેલી અરજીઓની સંખ્યા રાજ્યમાં બેરોજગારીની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
તલાટી-લોકરક્ષકની ભરતી માટે 13 લાખ લોકોએ કરી અરજી
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનું ભયાનક સ્તર જોવા મળી રહ્યું છે. 5.42 લાખથી વધુ ઉમેદવારોએ માત્ર 2389 મહેસૂલ તલાટી વર્ગ-3ની જગ્યા માટે અરજી કરી છે જે સરકારી નોકરીઓ માટે તીવ્ર ઉત્સુકતા દર્શાવે છે.લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ)ની ભરતી માટે 7,81,848 અરજીઓ કરી હતી. જેમાંથી પ્રીલિમમાં પાસ થયા બાદ 2.48 લાખથી વધુ ઉમેદવારો 12000 લોકરક્ષક દળ કોન્સ્ટેબલની જગ્યાઓ ભરવા માટે લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે.ગુજરાતમાં મહેસૂલ તલાટીની જગ્યાઓ માટે પ્રથમ વખત ગ્રેજ્યુએશનની ડિગ્રી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પહેલા ધોરણ-12 પાસ લોકો પણ તલાટીની અરજી કરી શકતા હતા.
મહેસૂલ તલાટીઓની તીવ્ર અછતનો સામનો કરી રહેલ ગુજરાત સરકારે નવી ભરતીની ઝુંબેશ શરૂ કરી છે પરંતુ જબરદસ્ત પ્રતિસાદ રોજગાર સંકટને વધુ ઘેરો બનાવવા તરફ ઇશારો કરે છે. 2016માં જ્યારે 2800 તલાટીની જગ્યાઓ માટે 6 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. આ વખતે પણ 2389 જગ્યાઓ માટે 5.42 લાખ અરજીઓ આવી છે.
તલાટીની એક જગ્યા માટે 200 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
26મેના રોજ શરૂ થયેલા ઓનલાઇન ફોર્મ સબમિશન 10 જૂન મધ્યરાત્રિ સુધીમાં 4.50 લાખથી વધુ ફોર્મ સબમિટ થયા હતા. તલાટીની જગ્યા માટે ઉમેદવારોનો ઉત્સાહ જોતા વધુ બે દિવસ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે.5.42 લાખ તલાટીની જગ્યા માટે ફોર્મ ભરાતા દરેક જગ્યા માટે 200 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે.
ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ
રાજ્યસભામાં 2022માં આપવામાં આવેલા શિક્ષિત બેરોજગારીની સ્થિતિ અંગેના જવાબ અનુસાર, ગુજરાતમાં 2020-22 દરમિયાન 3,64,252 બેરોજગારો નોંધાયા હતા જેમાં 3,46,436 શિક્ષિત અને 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો હતા. આ દરમિયાન સરકારે માત્ર 1,278 બેરોજગારોને સરકારી નોકરી આપી હતી. જે બેરોજગારીની ગંભીરતા દર્શાવે છે.
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની વધતી સંખ્યા અને સરકારી નોકરીઓ માટે અરજીઓનો ધસારો રાજ્યની આર્થિક અને રોજગાર સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે. તલાટીની 2389 જગ્યાઓ માટે 5 લાખ અને લોકરક્ષકની 12,000 જગ્યાઓ માટે 8 લાખ અરજીઓ બેરોજગારીની ગંભીરતા દર્શાવે છે. સરકારે રોજગાર સર્જન, સ્કિલ ડેવલપમેન્ટ અને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધારવા પર ધ્યાન આપવું જરૂરી છે.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારની સંખ્યામાં વધારો જોવા મળતા કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા છે.કોંગ્રેસે લખ્યુ,
ગુજરાતનું 'બેરોજગારી મૉડલ'
• સરકારી નોકરીની 14 હજાર જગ્યા માટે 8 લાખ બેરોજગાર લાઇનમાં છે.
• બેરોજગારોની આટલી મોટી સંખ્યા ફેક 'ગુજરાત મૉડલ'ના ફુગ્ગાની હવા કાઢી રહી છે.
• સત્ય આ છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં યુવા નોકરી અને રોજગાર માટે ધક્કા ખાવા મજબૂર છે.








