ગુજરાતની આદિવાસી વસ્તી ધરાવતી બેઠકો પર કોંગ્રેસ-AAPની નજર, શું આ વખતે ભાજપનો ગઢ તોડી શકશે?
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની આદિવાસી વસ્તી ધરાવતી બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ની નજર છે. અહીં ભારતી

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની આદિવાસી વસ્તી ધરાવતી બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ની નજર છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કિલ્લાને ભેદવા માટે બન્ને પક્ષોએ ગઠબંધન કર્યું છે. જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સત્તા પર રહેલ ભાજપની આ વિસ્તારમાં પકડ મજબૂત છે.
ગુજરાતમાં 7 મેએ મતદાન થશે
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર સાત મેએ ચૂંટણી યોજાશે, જેમાંથી દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી, વલસાડ અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે અનામત છે જ્યારે ભરૂચ સામાન્ય શ્રેણીની બેઠક છે. જોકે, અહીં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે. AAPએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતા ડેડિયાપાડા (ST) વિધાનસભા બેઠક પર જીત મેળવીને આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત કરવાના સંકેત આપ્યા છે.
કોંગ્રેસે ગત હારમાંથી લીધો પાઠ
ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો પર ક્યારેક કોંગ્રેસનો દબદબો રહેતો હતો અને પાર્ટીએ તેમના પર નવેસરથી ધ્યાન આપ્યું છે. ગત મહિને, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આ લોકસભા બેઠક અંતર્ગત આવતા વિસ્તારમાંથી પ્રસાર થઇ હતી. કોંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં પોતાની કારમી હારમાંથી પાઠ લીધો છે જ્યારે આદિવાસી વિસ્તારમાં ભાજપ વિરોધી મત ‘AAP’, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં વિભાજીત થઇ ગયા હતા. કોંગ્રેસે વિપક્ષી દળના ગઠબંન INDIA હેઠળ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતા પક્ષ સાથે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે.
કોંગ્રેસે સીટ વહેંચણી હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ને ભરૂચ અને ભાવનગર બેઠક આપી છે. ભરૂચ જનરલ બેઠક હોવા છતા ભાજપની સાથે સાથે INDIA ગઠબંધને આદિવાસીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. અહીં ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાનો મુકાબલો AAPના ડેડિયાપાડ (એસટી)ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થશે.
કોંગ્રેસ-AAP માટે મુશ્કેલ હશે BJP સામે મુકાબલો
વિપક્ષી ગઠબંધન આદિવાસી વિસ્તારમાં પોતાનું ખાતુ ખોલવા માટે મહેનત કરી રહ્યું છે. INDIA ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા ભાજપના મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે.
કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપમાં ગયા
છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક આદિવાસી નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. ગત વિધાનસભા ચૂંટણી પહેલા સીનિયર આદિવાસી નેતા અને છોટા ઉદેપુરના 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહ ભાજપમાં સામેલ થયા હતા. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં સામેલ થયા હતા. પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પણ ગત મહિને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.
ભાજપે 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પર જીત મેળવી હતી. કોંગ્રેસના વલસાડ (ST) ઉમેદવાર અનંત પટેલે કહ્યું, “2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના મતને ભેગા કરીએ તો અમે 59 બેઠક પર ભાજપ કરતા આગળ હતા. આ વખતે ગઠબંધનને કારણે અમે ચાર એસટી-અનામત બેઠક ભારે અંતરથી જીતીશું.’








