મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ પર કાબુ મેળવવા સાયબર કમાન્ડો તૈયાર કરશે

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા

ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ પર કાબુ મેળવવા સાયબર કમાન્ડો તૈયાર કરશે

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જે અનુસંધાનમાં હવે ગુજરાત પોલીસ મોટા સાયબર એટેકની સામે કાર્યવાહી કરવા માટે રાજ્યમાં સાયબર કમાન્ડો તૈયાર કરાશે. જેમને દેશની વિવિધ એજન્સીઓ ઉપરાંત, વિદેશમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલોમાં અભ્યાસ દરમિયાન જ સાયબર ક્રાઇમને લગતી જાગૃતતા આવે તે માટે ગુજરાત પોલીસ બ્રિટીશ હાઇકમિશન સાથે સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટ શરૂ કરશે.

ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનામાં ચિંતાજનક વધારો

ગુજરાતમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેથી સાયબર ક્રાઇમ પર કાબુ મેળવવાની સાથે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા આવે તે પોલીસની પ્રાથમિકતા છે. ગાંધીનગર ખાતે સ્ટેટ સાયબર સેલ અને બ્રિટીશ હાઇકમિશન દ્વારા શરૂ કરાયેલા સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટના લોન્ચીંગના કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું ગુજરાત પોલીસ માટે સાયબર ક્રાઇમ સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ પર કામ કરી રહી છે. સાયબર ક્રાઇમના ગુનાના ભેદ ઉકેલવા માટે ગુજરાત પોલીસની પાસે સાયબર એક્સપર્ટની ટીમ છે. જોકે, સાયબર એટેકની સામે આધુનિક ટેકનોલોજીની મદદથી લડી શકાય તે માટે ગુજરાત પોલીસ હવે સાયબર કમાન્ડો તૈયાર કરશે.

 સાયબર કમાન્ડો અંગે માહિતી આપતા કહ્યું કે દેશમાં સાયબર એટેકનો ભય સતત રહે છે. ભુતકાળમાં મોટી કંપનીઓ પર સાયબર એટેકની અનેક ઘટનાઓ બની ચુકી છે ત્યારે સાયબર કમાન્ડોની આ પ્રકારની ઘટનાઓમાં મહત્ત્વની ભૂમિકા રહેશે. સાયબર કમાન્ડોને બ્રિટન, અમેરિકા સહિતના દેશોની સાયબર સિક્યુરિટી સિસ્ટમ અંગે તાલીમ આપવાની સાથે દેશની આધુનિક ટેકનોલોજીની તાલીમ આપીને તૈયાર કરાશે.

ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પોલીસે બ્રિટીશ હાઇકમિશન સાથે મળીને સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો. જે પ્રથમ તબક્કામાં રાજ્યના 12 જિલ્લાઓમાં 36 જેટલી શાળાઓમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ચલાવશે. આ પ્રોજેક્ટમાં ગુજરાત પોલીસે બ્રિટનમાં અમલી અવેરનેસ અંગેની મહત્ત્વની બાબતોનો સમાવેશ કરાયો છે. આ માટે પોલીસને ખાસ તાલીમ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો