Gujarat news: ઉમેદવારો 9 જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરી શકશે, શિક્ષણ વિભાગે લીધો ખાસ નિર્ણય
રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી - 2024 અંતર્ગત રાજ્ય સરકાર

રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી - 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ આપેલી શાળા પસંદગી અને તા. 21 મે, 2025ના રોજ કરેલી શાળા ફાળવણીને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને રદ જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે. આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે.
09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે
26 મે, 2025 અને તા. 05 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે, સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી આ ભરતી માટે પુન:વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલ હોય તેમજ શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે. શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવ્યું છે.






