નારાયણ સાંઈને મળ્યા 5 દિવસના હંગામી જામીન, ગુજરાત હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત
દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી 5 દિવસના હંગામી જામીન મળ્યા છ

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી 5 દિવસના હંગામી જામીન મળ્યા છે. પોતાની 82 વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈકોર્ટે 5 દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા છે. જામીન દરમિયાન નારાયણ સાંઈ પોલીસ જાપ્તા સાથે અમદાવાદમાં તેના માતાના ઘરે જ રોકાઈ શકશે. પરંતુ તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં.
જણાવી દઈએ કે, સુરતની સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને 30 એપ્રિલ, 2019ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f) 376(k) 376(n), 377, 354, 504 અને કલમ 506(2) હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ડિસેમ્બર 2013થી તે જેલમાં બંધ છે.
નારાયણ સાંઈ પોતાના માતાના ઘરે જ રોકાઈ શકશે
નારાયણ સાંઈના વકીલે રજૂઆત કરી હતી કે, અગાઉ બીમાર પિતા આસારામને મળવા માટે 5 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા. હાલ, અરજદારના કાર્ડિયાક અરેસ્ટથી પીડિત બીમાર માતાને મળવા માટે 45 દિવસના જામીન આપો. જોકે, હાઈકોર્ટે 45 દિવસના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શરતો સાથે 5 દિવસના જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી છૂટશે ત્યારથી જામીન ગણાશે. જામીન દરમિયાન તે ફક્ત તેના માતાના ઘરે જ રોકાઈ શકશે, બીજી કોઈ જગ્યાએ નહીં. સુરતની લાજપોર જેલમાંથી છુટ્યા બાદ અમદાવાદ તેના માતાના ઘર પર આવશે
જામીનની શરતોનો ભંગ ન થાય તે માટે પોલીસ જાપ્તામાં રહેશે નારાયણ સાંઈ
જોકે, તેમને પોલીસના કડક જાપ્તા હેઠળ રાખવામાં આવશે, જેથી તેઓ જામીનની શરતોનો ભંગ ન કરી શકે. હાલમાં નારાયણ સાઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે, જ્યાં તેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ જામીન તેમની માતાની ગંભીર બિમારીને ધ્યાનમાં રાખીને માનવીય આધાર પર આપવામાં આવ્યા છે.






