ટેટુ હટાવ્યાંના નિશાનના કારણે યુવકને આર્મીમાં નોકરી ન મળી, જાણો હાઈકોર્ટે શું આદેશ આપ્યાં
યુવા પેઢીનો એક આખો વર્ગ છે, જે ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે અથાગ મહેનત કરે છે

યુવા પેઢીનો એક આખો વર્ગ છે, જે ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે અથાગ મહેનત કરે છે. આ વર્ગના યુવાનો લેખિત પરીક્ષા માટે રૂમમાં અને શારીરિક પરીક્ષા માટે મેદાનમાં દિવસ-રાત જોયા વગર ભરપૂર મહેનત કરે છે. પોતાની અથાગ મહેનતને કારણે કોઈ યુવક લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા પાસ કરીને મેડિકલ પરીક્ષા સુધી પહોંચી જાય છે. પણ એક બાબતને કારણે તેને અનફીટ જાહેર કરી નોકરીથી વંચિત રાખવામાં આવે તો કેવું થાય? ગુજરાતના એક યુવક સાથે આવું બન્યું છે.
ટેટુ હટાવ્યાંના નિશાનના કારણે સ્ટાફ સિલેક્શન કમિશને અનફીટ જાહેર કર્યો
રાજ્યના એક 28 વર્ષીય યુવકે ભારતીય સેનામાં ભરતી માટેની સ્ટાફ સિલેક્શન કમિશનની પ્રાથમિક પરીક્ષા પાસ કરી હતી. આ યુવકને મેડિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવ્યો ત્યારે યુવકના હાથ પર ટેટુ કઢાવ્યાંની નિશાન હતું, જેના કારણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તેને અનફીટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેની સામે આ યુવકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે સ્ટાફ સિલેક્શન કમિશનને નોટિસ ફટકારી, એક જગ્યા ખાલી રાખવા કર્યો આદેશ
આ સમગ્ર મામલે અરજદારની અરજી પર ગુજરાત હાઇકોર્ટે આજે સુનાવણી કરતા કહ્યું કે સશસ્ત્ર સેનામાં માત્ર છૂંદણા (ટેટૂ) ના નિશાનના આધારે ભરતી માટે નકારી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટે સ્ટાફ સિલેક્શન કમિશનને નોટિસ ફટકારી છે, સાથે એક જગ્યા ખાલી રાખવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
ટેટુ કઢાવી નાખ્યું હોય તો આર્મીમાં નોકરી મળે કે નહીં?
અરજદારના વકીલ હર્ષ રાવલે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે યુવકના હાથ પર તેના નામનો અંગ્રેજી આલ્ફાબેટનું ટેટુ હતું, જે તેણે જાતે હટાવી નાખ્યું હતું. ટેટુ હટાવ્યાંના નિશાનને ટેટુ ગણી શકાય નહીં. આ ઉપરાંત અરજદારના વકીલે સેનામાં ભરતી અંગેના 3 ક્રાઈટેરિયા જણાવ્યાં હતા જે આ મુજબ છે :
- સેલ્યુટિંગ આર્મ એટલે કે જમણા હાથમાં ટેટુ હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે
- ડાબા હાથમાં ટેટુ હોય તો અંદરના હાથમાં હોવું જોઈએ. આ ટેટુ એવું હોવું જોઈએ જેનાથી આર્મીના ડીસીપ્લીન અને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે
- ડાબા હાથ પર આ ટેટુ હાથના ¼ ભાગની સાઈઝનું હોવું જોઈએ
ભારતીય સેના, અર્ધલશ્કરી દળો અથવા પોલીસમાં ટેટુ અંગેની ગાઈડલાઈન
જો તમે ભારતીય સેના, અર્ધલશ્કરી દળો અથવા પોલીસમાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારે તમારા શોખ અને રુચિઓ પર થોડો સંયમ રાખવો પડશે. વાસ્તવમાં, આ વિભાગોમાં ભરતી માટે ટેટૂને લગતા કેટલાક કડક નિયમો છે, જેના કારણે ઘણા લાયક ઉમેદવારો તેમની પસંદગીની ભરતી પ્રક્રિયામાંથી બહાર રહી ગયા છે. તમારે એ સમજવાની જરૂર છે કે સેના અને પોલીસ દળો પાસે શારીરિક માપદંડો સિવાય ટેટુ સંબંધિત વિશેષ ગાઈડલાઈન છે. તેથી, જો તમારા શરીર પર ટેટુ છે અથવા તે ટેટુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો ભરતીના નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.








