ખ્યાતિકાંડ બાદ કેબિનેટ બેઠકમાં PMJAY યોજના અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ પછી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તપાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આજે બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ PMJAY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી છે.
PMJAY યોજનાની નવી SOP બનાવાશે
અમદાવાદના એસ.જી. હાઈવ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને આજે બુધવારે કેબિનેટમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PMJAY યોજના હેઠળ આવતી હોસ્પિટલમાં યોગ્ય કામગીરી થાય છે કે નહી તેની તપાસ કરવા અને PMJAY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, લોકો હેરાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ, ડો.પ્રશાંત વજીરાણીને VIP ટ્રીટમેન્ટ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ
PMJAY યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરાશે તો ડોક્ટરની ખેર નહી
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ PMJAY યોજના હેઠળની હોસ્પિટલમાં મુખ્યત્ત્વે હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ સહિતની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે. જેમાં જો કોઈ ડોક્ટરો PMJAY યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે.
આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી
PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.








