ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યો, 'ખ્યાતિકાંડ' માટે દરવાજા ખૂલ્યા
PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યાં છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્

PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યાં છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા માટે કેન્દ્રએ બધાય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલુ જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ધ્યાન આપ્યુ નહતું. જો IED સેલની રચના થઇ હોત તો કદાચ ગુજરાતમાં ખ્યાતિકાંડ સર્જાયો ન હોત.
ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના આશિર્વાદરૂપ
ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના આશિર્વાદરૂપ સમાન છે કેમ કે, કેન્સર, હદયરોગ સહિત ગંભીર બિમારીમાં દસેક લાખ સુધી મફત તબીબી સારવાર મળી રહે છે. માત્ર સરકારી જ નહીં, કોર્પોરેટ હોસ્પિટલમાં ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે છે. જોકે, ચૂંટણી વખતે તો આ જ સરકારી યોજનાનો ઉલ્લેખ કરી ભાજપના નેતાઓએ મતદારોને રિઝવવા કોઇ કસર છોડી નહતી પણ PMJAY યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં રાજ્ય આરોગ્ય વિભાગે પાછીપાની કરી હતી. આમ,વિરોધાભાસ જોવા મળ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગના એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, નેશનલ હેલ્થ ઓથોરિટીએ રાજ્યોને સૂચના આપી હતી કે, PMJAY યોજનાનો છેવાડાના ગામ સુધી પ્રચાર-પ્રસાર કરો. લાભાર્થીઓને યોજના વિશે અવગત કરાવો. પોસ્ટર્સ, બેનર્સ, માહિતી પુસ્તિકા ઉપરાંત વર્કશોપ યોજીને લોકોને યોજનાથી માહિતગાર કરો. આ બધુય કરવા પાછળનો એકમાત્ર હેતુ એ હતો કે, PMJAY યોજનામાં ડોક્ટરોથી માંડીને સરકારી કર્મચારીઓ ગરીબ લાભાર્થીઓ સાથે ગેરરિતી આચરે નહીં પણ ગુજરાત આરોગ્ય વિભાગે IEC સેલની રચના જ કરી નહીં. માત્ર ગુજરાત જ નહીં, ભારતમાં 14 રાજ્યોએ IEC સેલ બનાવ્યો નથી.
આરોગ્ય વિભાગે જ દર્દીઓને અંધારામાં રાખ્યા હતાં. જો દર્દીઓને લોકજાગૃતિ મુદ્દે સઘન કામગીરી કરવામાં આવી હોત તો કદાચ ગુજરાત સરકારને જેના કારણે બદનામી વ્હોરવી પડી છે તે ખ્યાતિકાંડ સર્જાયો નહોત. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્ય આરોગ્ય વિભાગે PMJAY યોજના પ્રચાર-લોકજાગૃતિ માટે માત્ર 6 ટકા રકમ જ વાપરી છે. આ પરથી એક પ્રસ્થાપિત થઇ છે કે, આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા પણ ખ્યાતિકાંડ માટે જવાબદાર છે.
આ પણ વાંચો:ન્યૂ યર ઇફેક્ટ: બૂટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી, ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી
ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં સારવારની માર્ગદર્શિકા ઘડાઇ
કેન્દ્રીય આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે. PMJAY યોજનામાં પોલંપોલ ચાલી રહી છે જેના કારણે મળતિયા હોસ્પિટલ સંચાલકોએ ધૂમ કમાણી કરી લીધી છે જ્યારે નિર્દોષ દર્દીઓને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે જ્યારે ખ્યાતિકાંડ થયુ છે ત્યારે આરોગ્ય વિભાગને PMJAY યોજના અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે અલાયદી માર્ગદર્શિકા ઘડવાનું સુઝ્યૂ છે. જો અગાઉથી તકેદારી રાખવામાં આવી હોત તો કદાચ આ ગેરરીતિ-ગોટાળા થયા નહોત.








