સુરત બાદ આ જિલ્લામાં પણ ભાજપે ડમી ઉમેદવારનો ખેલ પાડ્યો, કોંગ્રેસના દિગ્ગજ નેતા સહિત 100થી વધુ કાર્યકરોએ કર્યા કેસરિયા
લોકસભા ચૂંટણી 2024 પહેલા પંચમહાલ જિલ્લામાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો. ગોધરા કમલમ ખાતે કોંગ

લોકસભા ચૂંટણી 2024 પહેલા પંચમહાલ જિલ્લામાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો. ગોધરા કમલમ ખાતે કોંગ્રેસના દુષ્યંત ચૌહાણ સહિત 100થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. જેઠા ભરવાડ, ગોરધન ઝડફિયા અને ભરત ડાંગરે તમામને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
દુષ્યંત ચૌહાણ તેમના પત્ની રશ્મિતા ચૌહાણ સહિત 100થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તમામ કાર્યકરો અમિત શાહના કાર્યક્રમમાં ભાજપમાં પ્રવેશવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી ગોધરા આવે તે પહેલાં જ ભાજપમાં પ્રવેશ થયો હતો.
સુરત પછી પંચમહાલમાં ભાજપે ડમી ઉમેદવારનો ખેલ પાડ્યો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ખેલ પાડ્યા બાદ હવે ભાજપે પંચમહાલમાં કોંગ્રેસના ડમી ઉમેદવારનો ખેલ પાડ્યો છે. પંચમહાલ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર ભાજપમાં સામેલ થયા છે.
દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવતા નારાજ હતા. આ નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે એક સમયે વિધાનસભા ચૂંટણી લડી ચુકેલા દુષ્યંત સિંહ ભાજપમાં સામેલ થયા બાદ હવે તેમની સાથે જ પ્રચાર કરતા જોવા મળશે.








