મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપમાં સમરાંગણ: પક્ષપલટુઓ માટે જાજમ પાથરવાનું ભારે પડ્યું;ઘરના ઘાતકીઓએ જ તાણી તલવાર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપમાં જાણે સમરાંગણ સર્જાયુ છે.ભાજપના એક પછી એક નેતાઓ ખુલીને એકબીજા સામે

ગુજરાત ભાજપમાં સમરાંગણ: પક્ષપલટુઓ માટે જાજમ પાથરવાનું ભારે પડ્યું;ઘરના ઘાતકીઓએ જ તાણી તલવાર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપમાં જાણે સમરાંગણ સર્જાયુ છે.ભાજપના એક પછી એક નેતાઓ ખુલીને એકબીજા સામે આક્ષેપ-નિવેદનબાજી કરી રહ્યા છે પરિણામે ભાજપની શિસ્તના લીરેલીરાં ઉડ્યાં છે. 

ભાજપને પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરવાનું ભારે પડ્યું

સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને પક્ષપલટુઓ માટે કમલમમાં લાલ જાજમ પાથરવાનું ભાજપને હવે ભારે પડી રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓએ કેસરિયો ખેસ પહેરીને ભાજપના ઉમેદવારોને હરાવવા ધમપછાડા કર્યા હતાં. આ સ્થિતિને લીધે ભાજપમાં નેતાઓ સામસામે આવ્યા છે. જોકે, હવે પ્રદેશ નેતૃત્વ શિસ્તભંગ માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

ઘરના ઘાતકીઓએ જ ભાજપ સામે તલવાર તાણી

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઘરના ઘાતકીઓએ જ ભાજપ સામે તલવાર તાણી હોય તેવો માહોલ સર્જાયો હતો કેમ કે, જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ ક્ષત્રિય આંદોલનનો લાભ લઇને ખુબ જ ધમપછાડા કર્યા હતાં. જોકે, તેઓ સફળ થઇ શક્યા નહતાં. આ તરફ, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પુરી તાકાત લગાડી દીધી હતી.ચાવડાના પુત્રએ તો બેઠકો યોજીને કોંગ્રેસને વધુમાં વધુ મત મળે તે દિશામાં મથામણ કરી હતી તેમ છતાંય લાડાણી જીત્યા હતાં.

અનેક નેતાઓ પક્ષવિરોધી પ્રવૃતિ કરતા જોવા મળ્યા

અમરેલી બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ કમળમાં કઇ લેવાનું નથી તેમ કહીને કોંગ્રેસને મત આપો તેવી મતદારોને અપીલ કરી હતી. ભાજપ પ્રદેશ હાઇકમાન્ડને અત્યાર સુધીમાં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ, જામનગર, બનાસકાંઠા, ભરૂચ, વલસાડ સહિત અન્ય મત વિસ્તારમાં ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યા હતાં. ખુદ ભાજપના ઉમેદવારોએ જ મુખ્યમંત્રી-પાટીલને વન ટુ વન મળીને પક્ષવિરોધીઓની વિગતો આપી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, બે બે પૂર્વ હોદ્દેદારોએ પક્ષવિરોધીની ભૂમિકા ભજવી છે. ઘરના ઘાતકીઓની યાદી ઘણી લાંબી છે. આ જોતાં પ્રદેશ નેતૃત્વ હવે પક્ષવિરોધી સામે શિસ્તભંગનો કોરડો ક્યારે વિંઝશે તેના પર સૌની નજર છે.

ભાજપના નેતાઓ જ કહી રહ્યા છે કે, પાયાના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરવી અને પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરવીએ ભાજપને હવે ભારે પડી રહ્યુ છે. હાલ પક્ષપલટુ નેતાઓ જ ખુલીને પક્ષની આંતરિક વાતો જાહેરમાં કરીને શિસ્તના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભાજપનું કોંગ્રેસીકરણ થતાં હાલ સમરાંગણ સર્જાયુ હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે.

આ સમાચાર શેર કરો