રાજ્યમાં અમદાવાદ સહિત 25 સ્થળો પર GSTના દરોડા, 200 કરોડની કરચોરી ઝડપાઈ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહ

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના 25 સ્થળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની વકી છે.
અમદાવાદમાં સ્ક્રેપ ડીલર્સને ત્યાં દરોડા
અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા હતાં. જેમાં ઓઢવમાં એક કંપનીના માલિકે પોતાના અને પત્નીના નામે ચાલતી કંપનીઓમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ડીજીજીઆઈએ બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
રાજકોટમાં ભાજપના પૂર્વ એમએલએના ભાઈ પર સંકજામાં
રાજકોટમાં ડીજીજીઆઈ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાનો આરોપ છે. હાલ તપાસ ચાલી રહી છે. જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોદામો અને ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. ત્રણ દિવસ પહેલાં આણંદ શહેરના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગની ટીમે દરોડા પાડયા હતા. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણે બિલો, બેન્ક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી. દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતાં.
આ પણ વાંચો: 'નકલી નોટોનો અસલી ખેલ': સુરતમાંથી 500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ
સ્ક્રેપ ડીલર્સ અને બેઝ ઓઈલ વેપારીઓને પર દરોડા
ગુજરાતમાં સ્ક્રેપ ડીલર્સ અને બેઝ ઓઈલ વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ ચાલુ હોવાથી આ કરચોરીના કૌભાંડનો આંકડો રૂ. 200 કરોડથી વધશે.
મોરબીમાં સતત બીજા દિવસે પણ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત જોવા મળ્યા હતા. જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલ બાદ સ્ટેટ જીએસટીની ટીમે મોરબીના કોલસાના કાળા કારોબાર રેડ પાડી હતી.
મોરબીમાં GSTના દરોડા
મોરબીના પાંચ જેટલા કોલસાના ધંધાર્થીઓના ત્યાં ગઈકાલથી જીએસટીએ ધામા નાખ્યા હતા..આ તપાસમાં મોટી માત્રામાં કરચોરી પકડાવાની શક્યતાઓ સેવાઈ રહી છે








