Vadodara news: હાઈવે ક્રોસ કરી રહેલાં દાદી-પૌત્રને કારચાલકે ફંગોળ્યા, બંનેના ઘટનાસ્થળે જ મોત
વડોદરા નેશનલ હાઈવે-48 પર રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્ર પર કાળ બનીને આવેલી

વડોદરા નેશનલ હાઈવે-48 પર રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્ર પર કાળ બનીને આવેલી કાર ફરી વળી છે. ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યાં હતા તે સમયે દાદી-પૌત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. એક સાથે બે સભ્યો ગુમાવતાં પરિવારમાં આક્રંદ સાથે રોષની લાગણી છે અને અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી છે.
રોડ ક્રોસ કરતાં દાદી અને પૌત્રનું મોત
આજવા ચોકડીથી વાઘોડિયા તરફ જતાં રોડ પર પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીની પાસે આવેલા ખાનગી મોલ નજીક આ અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર દાદી અને પૌત્ર મૂળ પંચમહાલથી આવતા હતા. દાદી હરખાબેન સોલંકી અને પૌત્ર વનરાજ સોલંકી બંને વતન (મૂળ નિશાળ ફળિયું, પંચમહાલ)થી દીકરાના ઘરે બાપોદ વુડાના આવવા નીકળ્યા હતા. એ દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ કાર ચાલકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દાદીની ઉંમર 70 વર્ષ તો પૌત્રની ઉંમર 10 વર્ષ હતી.
પરિવાર પડી ભાંગ્યો
અકસ્માતના સમાચાર મળતા જ શનાભાઈ સોલંકી (દીકરો) પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતા અને પુત્રની હાલત જોઈ પરિવાર પડી ભાંગ્યો હતો. પોલીસ ફરિયાદ કરતાં અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારે પોલીસ સમક્ષ વાહન ચાલકની ધરપકડ કરી કડક એક્શન લેવામાં આવે એવી માગ મૂકી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાદમાં પરિવારને સોંપ્યા હતા. હાલ સોલંકી પરિવાર દુખમાં ગરકાવ થયો છે. મૂળ વતન અને બાપોદ વુડામાં રહેતા રહીશોએ દુ:ખની લાગણી પ્રગટ કરી પરિવારને સાંત્વના આપી છે.






