જામનગરમાં ટ્રાફિક નિયમન માટે તંત્રની સ્પેશિયલ ડ્રાઈવ, સરકારી બોલેરો કાર ચાલકને આપ્યો હેલ્મેટનો દંડ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં આવતી વખતે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં આવતી વખતે હેલ્મેટ પહેરીને ફરજિયાત આવવાની જાહેરાત કરાયાના અનુસંધાને જિલ્લા કલેકટર કચેરી, લાલ બંગલા તેમજ સાત રસ્તા પાસે આવેલી વીજ કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકાની કચેરી પાસે ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી અને ત્રણ દિવસ દરમિયાન ટ્રાફિક શાખાએ કુલ 147 વાહન ચાલકો પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરતાં હાજર દંડ વસૂલ્યો હતો. જે કામગીરી આજે ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.
આજે ટ્રાફિક શાખા દ્વારા જામનગરની સેવા સદન-4ની કચેરીમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશનારા કુલ 11 સરકારી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને હાજર દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત એક ટ્રાફિક શાખાની ટુકડી અને આરટીઓની કચેરી દ્વારા જામનગર નજીક આવેલી આરટીઓની કચેરીના દ્વારે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. જેમાં બંને ટીમ દ્વારા 21 કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને સરકારી કર્મચારીઓમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે, અને જુદી-જુદી સરકારી કચેરીમાં પ્રવેશ મેળવનારા અનેક કર્મચારીઓ આજે હેલ્મેટ સાથે પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા.
એવામાં આ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવમાં બે દિવસ પહેલાનો વિચિત્ર કિસ્સો આજે સામે આવ્યો છે. જેમાં સરકારી બોલેરો કાર ચાલકને હેલ્મેટ અંગેનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીડબ્લ્યુડી કચેરીની બોલેરોના ચાલકને હેલ્મેટનો દંડ ફટકરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્રારા જે દંડની વસુલાત કરવામાં આવી તે પહોંચમાં બોલેરો કાર લખ્યુ છે અને દંડ હેલ્મેટ માટે આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.






