અચ્છે દિન દેખો : ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને બધી વસ્તુઓ મોંઘી
ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ થઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ-રા

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ થઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ-રાંધણ ગેસની અછતની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. પરિણામે ચા, તેલથી માંડીને દવા સહિત ખાદ્યપદાર્થથી માંડીને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મોંઘવારીના એક પછી એક ઝટકાથી ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના પરિવારો મોંઘવારીના ખપ્પરમાં ધકેલાયા છે. મર્યાદિત આવક અને વધુ જાવક વચ્ચે આમજનતાનું આર્થિક બજેટ ખોરવાયું છે.
કોમર્શિયલ ગેસમાં ₹200નો વધારો: હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને ફટકો
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે કેમકે, કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં રૂ. 200નો વધારો કરાયો છે જેના કારણે ચા-ખાણીપીણીની લારીથી માંડીને હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને વ્યાપક અસર થઈ છે. ગુજરાતી થાળી સહિત અન્ય વાનગીઓનો સ્વાદ મોંઘો થયો છે. હોટલ-રેસ્ટોરન્ટમાં વિવિધ વાનગીઓના ભાવ વધારી દેવાયા છે. આ પરિસ્થિતિ વચ્ચે રૂ. 6 હજારમાં કોમર્શિયલ સિલિન્ડર કાળાબજારમાં વેચાઈ રહ્યા છે ત્યારે ધંધો કરવો કેવી રીતે? તે સવાલ ઉઠ્યો છે. જાહેર અન્નક્ષેત્રથી માંડીને વિદ્યાર્થીઓને હોસ્ટેલ, મેસ-કેન્ટીનોમાં પણ રાંધણ ગેસની અછતની અસર વર્તાઈ રહી છે.
છેલ્લા એકાદ મહિનામાં જ તેલમાં રૂ. 300થી વધુનો વધારો થયો છે. ચા સહિત અન્ય ખાદ્યપદાર્થના ભાવ વધ્યા છે. જેથી આમજનતાના ખિસ્સા પર આર્થિક બોજ વધ્યો છે.
| વિગત | જૂનો ભાવ (રૂ.) | નવો ભાવ (રૂ.) | વધારો (રૂ./ટકા) |
| કોમર્શિયલ ગેસ સીલીન્ડર | રૂ. 1903 | રૂ. 2098 | રૂ. 218 |
| સિંગતેલ | રૂ. 2700 | રૂ. 3000 | રૂ. 300 |
| પ્રીમીયમ પેટ્રોલ | રૂ. 146 | રૂ. 160 | રૂ. 11 |
| ટોલ ટેક્સ | રૂ. 215 | રૂ. 235 | રૂ. 20 |
| ફાસ્ટટેગ પાસ | રૂ. 3000 | રૂ. 3075 | રૂ. 75 |
| ગુજરાતી થાળી | રૂ. 110 | રૂ. 140-150 | રૂ. 30 |
| ચા | રૂ. 10 | રૂ. 15 | રૂ. 5 |
| ફાસ્ટફૂડ | રૂ. 25-30 | રૂ. 35-40 | રૂ. 10 |
| દવાઓ | 10 ટકાનો વધારો | ||
| બ્રેડ-બટર-ચપ્પલ | 25 ટકા |
સામાન્ય વર્ગની મુશ્કેલી: લોનના હપ્તા ભરવા બન્યા અઘરા
વધતી મોંઘવારીને લીધે સામાન્ય-મધ્યમ વર્ગના લોકો માટે લોનના હપ્તા ભરવા અઘરું બન્યું છે. ખાદ્યપદાર્થોની સાથે સાથે લીવર, કીડની, બ્લડ પ્રેશર, સુગર, એનીમિયા સહિત વિવિધ રોગોની દવાઓના ભાવમાં પણ વધારો થયો છે પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પેટ્રોલમાં જ નહીં, હાઇવે ટોલટેક્સના દરમાં ય વધારો થયો છે જેથી પરિવહનનો ખર્ચ વધતાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે.
કોમર્શિયલ ગેસના ભાવવધારાની ઉદ્યોગો પર માઠી અસર
આ ઉપરાંત કોમર્શિયલ ગેસ ભાવવધારાના લીધે પ્લાસ્ટિક, સ્ટીલ, સિરામિક મોંઘા થયા છે. ખેડૂતોને ઉપયોગી પાઇપ મોંઘી થશે. આ સાથે ખાતરની અછત શરુ થઈ ગઈ છે. સ્કૂલ-કૉલેજના પાઠ્યપુસ્તકોમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માર્બલ, બ્રાસ પાર્ટસ, સિરામિક સહિત અન્ય ઉદ્યોગોમાં મંદીનો માહોલ જ નથી પણ ઉદ્યોગોને તાળાં વાગ્યા છે. કામદારો બેરોજગાર બન્યા છે. ટેક્સટાઇલ્સ સહિત અન્ય ઉદ્યોગામાં હજારો મજૂરો ફરી વતન તરફ સ્થળાંતર કરી રહ્યા છે. આમ છતાયં સરકાર સબ સલામતની આલબેલ પોકારી રહી છે.







