અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી 55 લાખનું સોનું ઝડપાયું, કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી
'નૈતિકતા અને પ્રમાણિક્તા જેવું કંઇ રહ્યું નથી' તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપોર

'નૈતિકતા અને પ્રમાણિક્તા જેવું કંઇ રહ્યું નથી' તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપોર્ટમાં જોવા મળ્યો છે. અમદાવાદ એરપોર્ટના સફાઇકર્મીની સતર્કતા-પ્રમાણિક્તાથી 750 ગ્રામ સોનું મળ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઇકર્મી રાબેતા મુજબ તેની સફાઇની ડ્યૂટીમાં વ્યસ્ત હતો. પુરુષોના શૌચાલયમાં સફાઇ કરતી વખતે તેનું ઘ્યાન ડસ્ટબિનમાં પડેલા એક શંકાસ્પદ પેકેટ પર પડ્યું.
અમદાવાદ એરપોર્ટ પર સતર્કતા-પ્રમાણિક્તાનો કિસ્સો
આ પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું. જેના કારણે આ પેકેટમાં કંઇક તો ગરબડ છે તેવી તેની માન્યતા દ્રઢ બની. તેણે શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લીધો. આ પેકેટ ખોલતાં જ તેની અંદર સીફતપૂર્વક પેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્સ મળી આવ્યા હતા.
દિનેશ ગરવાએ તાકીદે પોતાના સુપવાઇઝર અને કસ્ટમ અધિકારીઓને બોલાવી લીધા. કસ્ટમ અધિકારીઓએ પેકેટની ચકાસણી કરતાં તેમાંથી 750 ગ્રામની શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. મળી આવેલા આ સોનાની કિંમત અંદાજે રૂપિયા 55 લાખ છે. દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું કે, 'મેં માત્ર મારી ફરજ નીભાવી છે. કચરાટોપલી વધારે પડતી વજનદાર લાગતા મને શંકા થઇ હતી.'
કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યુ? તપાસનો ધમધમાટ
અમદાવાદ એરપોર્ટના શૌચાલયની કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યું અને તે કોને પહોંચાડવાનું હતું તેમજ તેમાં કોની-કોની સંડોવણી હોઇ શકે છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. કચરાટોપલીમાં છુપાવેલું સોનું જેને પહોંચાડવાનું હતું તેના હાથમાં પહોંચે તે અગાઉ જ સફાઇકર્મીની સતર્કતાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી ગયું છે. આ ઘટના બાદ દાણચોરો સોનું છુપાવી શકે તેવી દરેક જગ્યા પર વોચ વધારી દેવાઇ છે.
દાણચોરોની મોડસ ઓપરેન્ડી શું હોય છે?
દાણચોરીનું સોનું લાવવા માટે કેરિયર્સની મદદ લેવામાં આવે છે. આ કેરિયર્સને દુબઇ, યુએઇ, બેંગકોક, થાઇલેન્ડથી મોટાભાગે સોનું લાવતા હોય છે. કેરિયર્સને સોનું લાવવા માટે આવવા-જવા ટિકિટ, રહેવા-જમવા સહિતની સુવિધા તેમજ અલગથી કમિશન આપવામાં આવે છે. તેઓ ધૂંટણની પાછળ, લગેજમાં સીલ કરીને, અંડરગાર્મેન્ટ્સ-સેનિટરી નેપકિન તેમજ ગુપ્તભાગમાં છુપાવીને સોનું લાવતા હોય છે. ઘણી વખત કસ્ટમ્સની વોચ વધારે હોય તો તેઓ એરપોર્ટના શૌચાલયમાં જ સોનું છુપાવી દે છે, આ જગ્યામાંથી તેનો મળતિયો સોનું લઇ લે છે. સ્મગલરો સોનું લાવવાની મોડસ ઓપરેન્ટમાં સતત ફેરફાર કરતા રહે છે.








