મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પૂરગ્રસ્ત પાટણ-બનાસકાંઠાને વળતર આપો,કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સત્રના ત્રીજા અને અંતિમ દ

પૂરગ્રસ્ત પાટણ-બનાસકાંઠાને વળતર આપો,કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સત્રના ત્રીજા અને અંતિમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તબીબી શિક્ષણ, પ્રવાસન, કૃષિ તથા આદિજાતિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઇ હતી.વિધાનસભામાં અંતિમ દિવસે ત્રણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત કારખાના સુધારા વિધેયક, ગુજરાત વૈધ વ્યવસાયી સુધારા વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન દ્વિતિય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.

શિક્ષકોની ભરતીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો

વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉમેશ મકવાણાએ કહ્યું કે ચિત્ર-સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવે, વ્યાયામના શિક્ષકોમાં પૂર્વ સૈનિકોની ભરતી કરવા માંગ કરી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપતા કહ્યું કે, અમે આ ભરતી માટે કમિટી બનાવી છે, કમિટીની ભલામણોના આધારે ભરતી કરીશું.

બીજી તરફ કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી.

RTE એક્ટ હેઠળ બાળકો સાથે ભેદભાવને લઇને ઉભા થયા સવાલ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવતા બાળકો સાથે ભેદભાવને લઇને પ્રશ્ન ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે કહ્યું કે અમદાવાદ શહેરમાં ચાર શાળાઓ સામે ફરિયાદ મળી છે. શિક્ષણ મંત્રીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું કે, ચારેય શાળાઓ CBSEની છે. શિક્ષણ વિભાગ તેની તપાસ કરશે.

ગોપાલ ઇટાલિયાનો સવાલ શિક્ષણ મંત્રીએ નકાર્યો

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં અરજી કર્યા બાદ વિલંબ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાના સવાલના જવાબમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કોઇ વિલંબ થતો નથી.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો વિરોધ

પાટણ-બનાસકાંઠામાં થયેલી અતિવૃષ્ટિને લઇને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક સર્વેની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. પોસ્ટર સાથે ધારાસભ્ય અમૃત ઠાકોર અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા.

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રશ્નોતરી પૂર્ણ થયા પોઇન્ટ ઓફ ઇન્ફર્મેશન હેઠળ માહિતી માંગી હતી. અમૃતજી ઠાકોરે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના કારણે તબાહી છે, ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે ગામમાં પાણી ફરી વળ્યાં છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે લોકોને સહાય જાહેર કરે. સરકાર ગૃહમાં કહે છે કે સ્કોપ બહારનો પ્રશ્ન છે તેમ કહી પ્રશ્ન ટાળી રહ્યા છે. કૃષિ વિભાગ તાત્કાલિક ધોરણે અધિકારીઓ ઉત્તર ગુજરાતમાં ટીમ મોકલીને ખેડૂતોને પાકને નુકસાન સર્વે થઇને સહાય આપવામાં આવે. સુઇગામ ભારે નુકસાની છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. NDRFની ટીમ બોટ લઇને પહોંચી પણ તેમાં ડીઝલ નથી, હવામાન વિભાગે આગાહી કરી હતી કે બનાસકાંઠામાં એલર્ટ છે તેમ છતાંય સરકારે પગલાં ભર્યા નથી. સરકાર તાયફામાં વ્યસ્ત છે, સરકારે આગોતરૂં આયોજન કર્યું હોત તો આટલું બધું નુકસાન ના થયું હોત.

અમૃતજી ઠાકોરના સવાલનો જવાબ આપતા ગૃહમાં જણાવવામાં આવ્યું કે, સરકાર હવામાન વિભાગની આગાહી બાદ સતર્ક બની હતી. SDRF-NDRFની ટીમોને પણ કામમાં લગાડવામાં આવી છે. પાકના થયેલા નુકસાન અંગે વળતર ચુકવવામાં આવ્યું છે. કેશ ડોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.

ઉમેશ મકવાણાએ બિલ ફાડ્યું

બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં ગુજરાત ફેક્ટર એક્ટ સુધારવા બિલ ફાડી નાખ્યું હતું. આ બિલ પર બોલતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, પોતાનું સંબોધન પૂર્ણ કરતી વખતે બિલની કોપી ફાડી નાખી હતી. 

GST ઘટતા ટ્રેક્ટર સસ્તા થશે-રાઘવજી પટેલ

વિધાનસભા નિયમ 44 મુજબ કૃષિ મંત્રી રાઘવજી પટેલે GST દર ઘટાડવાને લઇને નિવેદન આપ્યું હતું. રાઘવજી પટેલે કહ્યું કે GST દર ઘટવાના કારણે કૃષિ પર સીધી અસર જોવા મળશે. GST રિફોર્મથી રાજ્યની પ્રજાને ફાયદો થશે. ટ્રેક્ટર પરના દર 5% કરાયા છે જેથી ટ્રેક્ટર સસ્તા થશે. રાજ્ય સરકાર અગાઉથી જ 1 લાખ સબસિડી આપે છે. ખેત ઓજારો અને સાધનોના ભાવમાં ઘટાડો થશે. 

મેવાણીના સરકાર પર પ્રહાર

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગૃહમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મુખ્યમંત્રી કે મંત્રીઓની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પણ લઘુતમ વેતન મળતું નથી.સ્વર્ણિમ સંકુલ 1 ના લિફ્ટમેનને સેલેરી સ્લીપ પણ મળતી નથી.શ્રમ રોજગાર કચેરી ના કર્મચારીઓને પણ લઘુતમ વેતન મળતું નથી.આપડે પછી તો કોની પાસે અપેક્ષા રાખી શકાય.કારખાના સુધારા વિધેયક  બિલ પર બોલતા કોંગ્રેસ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ના સરકાર પર પ્રહાર કર્યા હતા.

આ સમાચાર શેર કરો